જમ્મુ-કાશ્મીરની સત્તાધારી નેશનલ કોન્ફરન્સ (NC) પાર્ટીમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ કેટલાક ધારાસભ્યોમાં નારાજગી હોવાના અહેવાલો વહેતા થયા હતા, જેને ડામવા માટે પાર્ટી હાઈકમાન્ડે શુક્રવારે સવારે એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાના ગુપકાર સ્થિત નિવાસ્થાને યોજાયેલી આ બેઠકમાં મંત્રીમંડળમાં સ્થાન ન મળવાથી નારાજ હોવાનું મનાતા અંદાજે ૧૫ જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ પક્ષમાં કથિત આંતરિક અસંતોષને દૂર કરી નેતાઓની નારાજગી સાંભળવાનો અને વિવાદનો અંત લાવવાનો હતો, જેમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે પાર્ટીમાં ભાગલા પડ્યા હોવાની અવાજો માત્ર પાયાવિહોણી અફવાઓ છે. તેમની સાથે મુખ્યમંત્રી અને તમામ ૧૫ ધારાસભ્યો મંચ પર ઉપસ્થિત રહીને પક્ષની એકતાનું પ્રદર્શન કર્યું હતું. અબ્દુલ્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "આ પાર્ટી એક અને સંગઠિત છે, અને જે લોકો તેને તોડવા માંગે છે તેઓ ક્યારેય સફળ નહીં થાય, કારણ કે આ પાર્ટી ક્યારેય તૂટી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં તૂટે." તેમણે એમ પણ સ્વીકાર્યું કે નારાજ ધારાસભ્યોની ચિંતાઓ વ્યાજબી હતી અને તેમની દરેક રજૂઆતને ગંભીરતાથી સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે.
બેઠકમાં હાજર રહેલા અસંતુષ્ટ ધારાસભ્યો પૈકીના એક નાઝીર ગુરેઝીએ સોશિયલ મીડિયા પર ફેલાયેલી અટકળોને ફગાવતા સ્પષ્ટ કર્યું કે ધારાસભ્યો પોતાના પ્રશ્નો લઈને પક્ષના નેતૃત્વને મળતા જ હોય છે, પરંતુ તેને તોડીને અલગ જૂથ રચાયાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી અને પક્ષ અધ્યક્ષ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હોવાનું અને નેતૃત્વ દ્વારા તેને તબક્કાવાર ઉકેલવાની ખાતરી અપાઈ હોવાનું જણાવ્યું હતું. આ બેઠક દ્વારા નેશનલ કોન્ફરન્સે વિપક્ષોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે પક્ષમાં કોઈ મતભેદ નથી અને તેઓ જનતાના પ્રશ્નો ઉકેલવા તેમજ કલમ ૩૭૦ અને ૩૫એ ની પુનઃપ્રાપ્તિની લડાઈને મજબૂતાઈથી આગળ વધારવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
