રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, શુક્રવારે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૩૮૯ જેટલો નોંધાયો હતો, જે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ વય જૂથના વિદ્યાર્થીઓ માટે શૌક્ષણિક સંસ્થાઓમાં રૂબરૂ વર્ગો બંધ કરીને ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે આ અંગે કોઈીપણ નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાતોની સલાહ અને અભિપ્રાયને સર્વોપરી ગણશે.
શહેરના વિવિધ મોનિટરિંગ સ્ટેશનો પર પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે 'ગંભીર' શ્રેણીમાં નોંધાયું છે, જેમાં IIT દિલ્હી અને રોહિણી ખાતે AQI ૪૭૪, પંજાબી બાગમાં ૪૬૫ અને આર.કે. પુરમાં ૪૪૩ સુધી પહોંચી ગયો હતો. આ ગંભીર પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે વાહનોના ધુમાડા અને ઉત્સર્જનને પ્રદૂષણનું એક મુખ્ય કારણ ગણાવ્યું છે. કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા તરફ ઈશારો કરતા સંબંધિત સત્તાવાળાઓ પાસે આ સમસ્યાને પહોંચી વળવા માટે લેવાયેલા પગલાંનો વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે.
આ ઉપરાંત, અદાલતે પરાળ સળગાવવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખેડૂતોને તેના આર્થિક અને નુકસાનકારક પાસાઓ અંગે શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે જો ખેડૂતોને આ પ્રથાના આર્થિક ગેરફાયદા સમજાય તો તેઓ જાતે જ તેને અટકાવી દેશે. દિવાળીના તહેવાર દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કરતા કોર્ટે જણાવ્યું હતું કે તે સમયગાળો ગરીબ વર્ગના લોકો માટે રોજીરોટી કમાવવાનો મુખ્ય અવસર હોય છે, જ્યારે વાસ્તવમાં મોટા વાહનો અને કાર દ્વારા થતું પ્રદૂષણ મુખ્ય ચિંતાનો વિષય બનેલું રહે છે.
