કેરળના ત્રિશૂરમાં વર્ષ ૧૯૮૧માં જન્મેલા નિત્યા રામને પોતાના બાળપણના થોડા વર્ષો તિરુવનંતપુરમમાં વિતાવ્યા હતા અને છ વર્ષની વયે પોતાના પરિવાર સાથે યુનાઇટેડ સ્ટેટ્સ સ્થળાંતર કર્યું હતું. તેમના પિતા વેંકિતારમણ 'કેલ્ટ્રોન'માં અને માતા સુધા કેચેરી 'ઇન્ડિયન ઓવરસીઝ બેંક'માં સેવા આપી ચૂક્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, વર્ષ ૨૦૦૩માં તેઓ ભારત પરત ફર્યા હતા અને દિલ્હીમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ તથા કોમનવેલ્થ ગેમ્સ અગાઉ સ્થળાંતરના જોખમનો સામનો કરી રહેલા અનૌપચારિક વસાહતોના લોકોના અધિકારો માટે સઘન કાર્ય કર્યું હતું.
ભારતમાં રહીને જનસેવાના કાર્યો કર્યા બાદ નિત્યા રામને દક્ષિણ ભારતમાં વર્ષ ૨૦૧૦માં 'ટ્રાન્સપેરન્ટ ચેન્ઈ' નામના એક અનોખા અભિયાનની સ્થાપના કરી હતી. આ પહેલ અંતર્ગત ડેટા અને મેપિંગનો ઉપયોગ કરીને નીચા આવક ધરાવતા સમુદાયોને અસર કરતા નાગરિક મુદ્દાઓ અને માળખાકીય સુવિધાઓને દસ્તાવેજીકૃત કરવામાં આવી હતી. જેમાં જાહેર શૌચાલયો અને બસ રૂટનું મૅપિંગ કરવા ઉપરાંત અનૌપચારિક વસાહતોમાં મૂળભૂત સેવાઓની ઉપલબ્ધતાની ઊંડાણપૂર્વક તપાસ સામેલ હતી. વર્ષ ૨૦૧૩માં એમ.આઈ.ટી. (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી) માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ લોસ એન્જલસ સ્થાયી થયા અને ત્યાંના ગંભીર નિવાસહીનતાના (બેઘર હોવાના) પ્રશ્ન સામે અવાજ ઉઠાવીને 'SELAH નેબરહુડ હોમલેસ કોએલિશન'ની સહ-સ્થાપના કરી હતી.
લોસ એન્જલસની મેયરની ચૂંટણીમાં વર્તમાન મેયર કારેન બેસને ૪૭.૩૦% મતો સામે ૫૨.૭૦% મતો મેળવીને નિત્યા રામને ભવ્ય વિજય મેળવ્યો છે. તેમનો સમગ્ર ચૂંટણી પ્રચાર પરવડે તેવા મકાનો, બેઘર લોકોની સમસ્યાઓ અને પાલિકાની નાગરિક સેવાઓના સુધારા પર કેન્દ્રિત હતો. આ ઐતિહાસિક જીત સાથે હવે અમેરિકાના બે સૌથી મોટા શહેરો - ન્યૂયોર્ક અને લોસ એન્જલસ - બંનેનું નેતૃત્વ ભારતીય મૂળના અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ મેયરોના હાથમાં આવ્યું છે, જે સમગ્ર ભારતીય સમુદાય માટે અત્યંત ગર્વની ક્ષણ છે.
