દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ સુનાવણીમાં અલ ફલાહ યુનિવર્સિટી ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીને ૭ દિવસના કસ્ટડી પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ મિની પુષ્કર્ણાની બેન્ચે તબીબી અને માનવીય ધોરણે કરવામાં આવેલી અરજીને સ્વીકારતા આ રાહત આપી છે. સિદ્દીકીની પત્ની અંડાશયના કેન્સર (ઓવેરિયન કેન્સર)ના ચોથા તબક્કાથી પીડિત છે અને તેમને આગામી ૧૦ નવેમ્બરના રોજ કીમોથેરેપીનો નવો રાઉન્ડ આપવાનો હોવાથી પતિની હાજરી અનિવાર્ય હોવાનું જણાવાયું હતું. કસ્ટડી પેરોલના નિયમો અનુસાર, આરોપીને સશસ્ત્ર પોલીસ પહેરા હેઠળ જ તેમની પત્ની પાસે લઈ જવામાં આવશે.
આ કેસની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વરિષ્ઠ વકીલે સિદ્દીકીની મુક્તિનો ઉગ્ર વિરોધ કર્યો હતો. EDએ દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર આરોપો છે અને તે નાસી છૂટે તેવી (ફ્લાઈટ રિસ્ક) સંભાવના છે, તેમજ તેનો અપરાધિક ઇતિહાસ પણ રહેલો છે જેમાં નવેમ્બર ૨૦૨૫ના લાલ કિલ્લા કાર વિસ્ફોટ કેસ સાથે પણ તેની સંડોવણી તપાસવામાં આવી રહી છે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે કડક શરતો મૂકી છે કે પેરોલ દરમિયાન સિદ્દીકી માત્ર તબીબી મુલાકાતો સિવાય પોતાના નિવાસસ્થાને જ રહેશે, કોઈ પણ સાક્ષીઓનો સંપર્ક નહીં કરે અને હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીમાં પ્રવેશ કરશે નહીં.
જવાદ અહેમદ સિદ્દીકી હાલમાં બે અલગ-અલગ મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડી ભોગવી રહ્યા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવેલી ફીમાંથી ગેરકાયદે નાણાં ઊભા કરવાના આરોપસર તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નવેમ્બર ૨૦૨૫માં ધરપકડ કરવામાં આવી હતી. EDની તપાસમાં ખુલાસો થયો છે કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરવા માટે NAAC માન્યતા અને UGCની ખોટી માહિતી આપવામાં આવતી હતી. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૫ વચ્ચે આશરે રૂ. ૪૧૫.૧૦ કરોડ એકત્ર કરીને અંગત ઉપયોગ માટે ફંડ ડાયવર્ટ કરવાના ગંભીર આરોપો પણ તપાસ એજન્સી દ્વારા મૂકવામાં આવ્યા છે. દિલ્હીમાં રૂ. ૪૫ કરોડની જમીનની ઠગાઈ અને વ્હાઈટ-કોલર ટેરર તપાસના દાયરામાં પણ યુનિવર્સિટીની સંડોવણી સામે આવી છે.
