ભારતીય ઓટોમોબાઇલ બજારમાં આગામી દોઢથી બે વર્ષમાં મોટો ટેકનોલોજીકલ બદલાવ આવવા જઈ રહ્યો છે. આગામી ૧૮ થી ૨૪ મહિનામાં દેશના રસ્તાઓ પર લગભગ અડધો ડઝન જેટલી નાની અને કિફાયતી હાઇબ્રિડ કારો દોડતી જોવા મળશે. દેશની અગ્રણી વાહન ઉત્પાદક કંપનીઓ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટોયોટા અને રેનો સામાન્ય ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને નાની હાઇબ્રિડ કારો રજૂ કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. હાલમાં બજારમાં મળતી ઇલેક્ટ્રિક કારોની બેટરી ક્ષમતા, ચાર્જિંગ સુવિધા અને પુનઃવેચાણ મૂલ્ય અંગે ગ્રાહકોમાં પ્રવર્તતી ચિંતાઓને જોતાં, પેટ્રોલ અને ઇલેક્ટ્રિક પાવરનું સંયોજન ધરાવતી હાઇબ્રિડ કારો વધુ વિશ્વસનીય અને વ્યાવહારિક વિકલ્પ તરીકે ઊભરી રહી છે.
ભારતમાં ચાર મીટરથી ઓછી લંબાઈ ધરાવતી નાની કારોનો બજાર હિસ્સો ૬૦ ટકા જેટલો મોટો છે. ટેક્સના માળખામાં થયેલા સાનુકૂળ ફેરફારો બાદ નાની કારો પરનો કરબોજ ઘટતાં કંપનીઓ માટે આ સેગમેન્ટમાં નવી ટેકનોલોજી લાવવી વધુ સરળ બની છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી તેની સૌથી વધુ લોકપ્રિય કારો જેવી કે સ્વિફ્ટ, બલેનો, બ્રેઝા અને ફ્રોન્ક્સમાં આ નવી સસ્તી સિસ્ટમ આપવાની યોજના ધરાવે છે. આ સિવાય ટોયોટા કંપની પણ પોતાની અર્બન ક્રૂઝર તૈસરનું નવું હાઇબ્રિડ મોડેલ લાવશે, જ્યારે હ્યુન્ડાઈ વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતીય પરિસ્થિતિને અનુરૂપ હાઇબ્રિડ કાર ઉતારવાની તૈયારી કરી રહી છે. સાથોસાથ રેનો પણ પોતાની નવી નાની અર્બન એસયુવીને આ ટેકનોલોજી સાથે રજૂ કરી શકે છે.
આ નવી હાઇબ્રિડ ક્રાંતિ પાછળ પહેલી એપ્રિલ, ૨૦૨૭ થી દેશમાં લાગુ થનારા કેફે-૩ ઈંધણ ક્ષમતાના કડક નિયમો પણ મુખ્ય પરિબળ છે. આ નિયમો હેઠળ વાહન નિર્માતાઓએ સરેરાશ કાર્બન ઉત્સર્જન ઘટાડવું પડશે, જેમાં હાઇબ્રિડ વાહનો બનાવતી કંપનીઓને વિશેષ ક્રેડિટ પોઇન્ટ્સનો લાભ મળશે. અત્યાર સુધી બજારમાં ઉપલબ્ધ મોટી હાઇબ્રિડ કારો ૧૬ લાખ રૂપિયાથી વધુ કિંમત ધરાવતી હોવાથી સામાન્ય ગ્રાહકોની પહોંચ બહાર હતી. હવે બજેટ-ફ્રેન્ડલી નાની હાઇબ્રિડ કારો આવવાથી મધ્યમ વર્ગના વાહનચાલકોને ભારે ટ્રાફિકમાં પણ બહેતર માઇલેજ મળશે અને પેટ્રોલના વધતા ખર્ચમાંથી કાયમી રાહત મળશે.
