ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત તેની ગ્રીન એનર્જી નીતિઓ, પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ અને સોલાર મોડ્યુલ માટે સ્થાનિક સોર્સિંગની જરૂરિયાતોને કારણે સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. ભારતે ૨૦૨૦ થી ૨૦૨૫ વચ્ચે તેના બાયોફ્યુઅલ ઉત્પાદનમાં છ ગણો વધારો કર્યો છે, અને ૨૦૩૦ સુધીમાં બાયોફ્યુઅલનો વપરાશ ૧૬ અબજ લીટર સુધી પહોંચવાની ધારણા છે. આ સાથે જ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) નું મિશ્રણ ૨૦૨૭માં ૧% થી શરૂ થઈને ૨૦૩૦ સુધીમાં ૫% સુધી પહોંચવાનું લક્ષ્ય છે, જે લો-કાર્બન ઇંધણ માટે એક નવું બજાર ઊભું કરશે.
દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પણ આયાતી કુદરતી ગેસના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. ભારતની સસ્ટેનેબલ ફીડસ્ટોક ક્ષમતા વાર્ષિક ૭૫ અબજ ક્યુબિક મીટર ગેસ સમાન ઉત્પાદનને ટેકો આપી શકે છે, જે દેશની વર્તમાન કુદરતી ગેસની માંગની ખૂબ નજીક છે. જોકે, ૨૦૩૦ સુધીમાં કુદરતી ગેસની આયાત પર નિર્ભરતા ૫૨% થી વધીને ૭૧% થવાની ધારણા છે ત્યારે બાયોગેસનું ઉત્પાદન વધારવાથી આયાત જરૂરિયાતોને નિયંત્રિત કરવામાં અને દેશની આર્થિક તેમજ ઉર્જા સુરક્ષાને વેગ આપવામાં મોટી મદદ મળી રહેશે.
આગામી સમયમાં રિન્યુએબલ એનર્જીના વિસ્તરણ માટે ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન નેટવર્કનો ઝડપી વિકાસ અત્યંત આવશ્યક બનશે. સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા આશરે ૨২৫ GW સુધી પહોંચી છે અને ૨૦૩૦ સુધીમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત, પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની (DISCOMs) નાણાકીય સ્થિતિ સુધારવી, જમીન સંપાદનમાં વિલંબ ઘટાડવો અને પ્રોજેક્ટના અમલીકરણને વેગ આપવો એ ભારતની ગ્રીન એનર્જી ક્રાંતિ માટે આગામી સમયના મુખ્ય પડકારો અને કળરૂપ સાબિત થશે.
