વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ (S&P Global Ratings) દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) નું 'A-' લોંગ-ટર્મ ઇશ્યૂઅર ક્રેડિટ રેટિંગ યથાવત રાખવામાં આવ્યું છે, જેમાં કંપનીનું આઉટલુક 'સ્ટેબલ' રાખવામાં આવ્યું છે. એજન્સીના મતે રિલાયન્સનું ઉચ્ચ કમાણીનું સ્તર, મજબૂત રોકડ પ્રવાહ અને જિયો પ્લેટફોર્મ્સ લિસ્ટિંગ બાદ ફંડિંગ ક્ષમતામાં થયેલો સુધારો આ રેટિંગ પાછળના મુખ્ય આધાર છે. એસએન્ડપી અપેક્ષા રાખે છે કે કંપની ડિજિટલ સર્વિસિસ સેક્ટરમાં ઉદ્યોગના સરેરાશ વિકાસ દર કરતા આગળ રહેશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર્સ તથા રિન્યુઅલ એનર્જી જેવા નવા ક્ષેત્રોમાં મૂડી રોકાણ માટે પૂરતો કેશ ફ્લો પેદા કરશે. નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં રિલાયન્સનું કોન્સોલિડેટેડ EBITDA વધીને રૂ. ૨.૧૫ લાખ કરોડથી રૂ. ૨.૨૫ લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે, જેમાં એનર્જી અને ડિજિટલ સર્વિસિસ બંને વ્યવસાયોનું યોગદાન આશરે ૪૫-૪૫ ટકા જેટલું રહેવાનું અનુમાન છે.
ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) અને રિલાયન્સ જિયો જેવા મુખ્ય વ્યવસાયોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓઇલ-ટુ-કેમિકલ્સ બિઝનેસ મુખ્ય ડ્રાઇવર બનશે અને નાણાકીય વર્ષ ૨૦૨૭માં તેનો EBITDA ૩૦ થી ૩૫ ટકા વધવાની સંભાવના છે, જેને મધ્ય પૂર્વમાંથી ક્રૂડ ઓઇલના પ્રવાહમાં અવરોધો અને વૈશ્વિક સ્તરે નીચા ક્રૂડ પ્રોસેસિંગ વચ્ચે ઊંચા રિફાઇનિંગ માર્જિનનો ટેકો મળશે. પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલના ક્રેક સ્પ્રેડમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે રિલાયન્સનો O2C EBITDA પ્રતિ બેરલ આશરે ૧૮ ડૉલર સુધી પહોંચી શકે છે. બીજી તરફ, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો, સરેરાશ પ્રતિ વપરાશકર્તા આવક (ARPU) માં સુધારો અને પ્રીમિયમ પ્લાન તરફ ગ્રાહકોના સ્થળાંતરને કારણે ડિજિટલ સર્વિસિસનો EBITDA ૧૨ થી ૧૪ ટકા વધવાનો અંદાજ છે. જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ દ્વારા રૂ. ૩૦,૦00 કરોડનું તાજું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે, જે કંપનીના દેવા સામે ઇક્વિટી કેપિટલની પહોંચને વધુ મજબૂત બનાવશે.
ભાવિ વિસ્તરણ યોજનાઓ અંતર્ગત કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને નવી ઉર્જા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરી રહી છે, જેના માટે વાર્ષિક મૂડીખર્ચ વધારીને રૂ. ૧.૪ થી ૧.૫ લાખ કરોડ કરવામાં આવ્યો છે. આમ છતાં, રિલાયન્સ પોતાની નાણાકીય શિસ્ત જાળવી રાખશે અને કમાણીમાં વૃદ્ધિના જોરે એડજસ્ટેડ ડેટ-ટુ-EBITDA રેશિયોને આગામી સમયમાં ૨ ગણાથી નીચે જાળવી રાખશે તેવો એસએન્ડપીનો વિશ્વાસ છે. એજન્સીનું માનવું છે કે કંપનીની વ્યાપારિક સ્થિરતા અને વૈવિધ્યસભર ફંડિંગ સ્ત્રોતો તેને મોટા મૂડી રોકાણો સામે મજબૂત રક્ષણ પૂરું પાડે છે. જોકે, ભવિષ્યમાં કંપની જો પોતાની નાણાકીય નીતિ વિરુદ્ધ જઈને અતિશય દેવા આધારિત રોકાણો કરે અને કમાણીમાં સતત ઘટાડો થાય તો રેટિંગ પર દબાણ આવી શકે છે, જ્યારે નવા વ્યવસાયોમાંથી નોંધપાત્ર રોકડ પ્રવાહ અને નાણાકીય સૂચકાંકોમાં વધુ સુધારો ભવિષ્યમાં અપગ્રેડની શક્યતાઓ ખોલી શકે છે.
