પામ બીચ કાઉન્ટીમાં જન્મેલી અને ઉછરેલી પિયા ડાંડિયાના માતા-પિતા ૧૯૮૦ના દાયકામાં જયપુરથી સ્થળાંતર કરીને અમેરિકામાં વસ્યા હતા. તેમના પિતા ડૉ. રોહિત ડાંડિયાએ તબીબી પ્રેક્ટિસ કરી હતી, જ્યારે તેમની માતાએ એક મોન્ટેસરી સ્કૂલની સ્થાપના કરી હતી. બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડાયેલી પિયાને તેમના માતા-પિતા ભારત મોકલતા હતા, જેણે તેમના જીવન ઘડતરમાં અને વૈશ્વિક અસમાનતાને સમજવામાં મોટો ભાગ ભજવ્યો હતો. હાલમાં તેઓ પોતાના પતિ નવનીત અલાગ અને પુત્ર સાહિબ સાથે પામ બીચ ગાર્ડન્સમાં નિવાસ કરે છે.
શિક્ષણ અને કારકિર્દીના મોરચે પિયાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સરકારી વિષયમાં અભ્યાસ કર્યો હતો અને બોસ્ટન યુનિવર્સિટીમાંથી શિક્ષણમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. માત્ર ૨૮ વર્ષની વયે તેઓ હાર્લેમની 'ડેમોક્રેટી પ્રેપ એન્ડ્યુરન્સ હાઇ સ્કૂલ'ના સ્થાપક પ્રિન્સિપાલ બન્યા હતા, જ્યાં તેમણે વંચિત વર્ગના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે નોંધપાત્ર કામ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે ૨૦૨૦માં વ્હાઇટ હાઉસ ફેલો તરીકે સેવા આપી હતી અને એપલ કંપનીમાં પબ્લિક-સેક્ટર પહેલનું નેતૃત્વ પણ કર્યું હતું.
તેમની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, સ્વાસ્થ્ય સેવાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ગન સેફ્ટી જેવા મહત્ત્વના મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા. આ અતિસ્પર્ધાત્મક ચૂંટણીમાં ભારે ખર્ચ અને પ્રચારનો સામનો કરીને તેમણે રિપબ્લિકન બિઝનેસમેન કેસી અસ્કરને પરાજય આપ્યો હતો. પ્રમિલા જયપાલ બાદ યુએસ સંસદના નીચલા ગૃહમાં પહોંચનાર બીજા ભારતીય-અમેરિકન મહિલા બનવા બદલ ભારતીય સમુદાયમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને તેમને દેશ-વિદેશથી અભિનંદન મળી રહ્યા છે.
