નવી દિલ્હી ખાતે યોજાયેલી 'ભારત RE સમિટ એન્ડ એક્સ્પો 2026' ના પ્લેટફોર્મ પરથી સ્વીડનના ભારતમાં રાજદૂત પત્રા મેનાન્ડરે ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત વેપાર કરાર ભારત અને સ્વીડનની કંપનીઓ વચ્ચે ચાલી રહેલા વ્યાપારી અને વૈજ્ઞાનિક સહયોગને મજબૂત સંસ્થાકીય સમર્થન પૂરૂ પાડશે. આ કરાર બંને ક્ષેત્રોમાં ટેકનોલોજીના આદાન-પ્રદાનને વેગ આપશે અને સંશોધન તથા નવીનીકરણના ક્ષેત્રોમાં સંયુક્ત કાર્યક્રમોને પ્રોત્સાહન આપશે, જેનાથી બંને દેશો પરસ્પર ટેકનોલોજીના હસ્તાંતરણનો લાભ મેળવી શકશે.
સ્વીડનની ભાગીદારી અંગે વાત કરતા મેનાન્ડરે જણાવ્યું કે સ્વીડનનું ઊર્જા ક્ષેત્ર મોટાભાગે નોન-ફોસિલ (બિન-અશ્મિભૂત) ઊર્જા મિક્સ પર આધારિત છે અને તેની અદ્યતન ટેકનોલોજી ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં પહેલેથી જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. હિટાચી એનર્જી જેવી કંપનીઓનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે આ કંપનીઓ રિન્યુઅબલ એનર્જીને ગ્રીડ સાથે જોડવામાં અને વીજળીને જરૂરિયાતમંદ લોકો સુધી સ્થિર રૂપે પહોંચાડવામાં નોંધપાત્ર મદદ કરી રહી છે. આ ઉપરાંત, બેટરી ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન અને હેવી ઇન્ડસ્ટ્રીઝના ડિકાર્બોનાઇઝેશન જેવા વિશેષ ટેકનોલોજી ક્ષેત્રોમાં પણ ભારત અને સ્વીડન સક્રિયપણે સહયોગ કરી રહ્યા છે.
ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે, જેનો પુરાવો વર્ષ ૨૦૧૬ના ૨.૮૬ અબજ ડોલર સામે વર્ષ ૨૦૨૪-૨૦૨૫ સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધીને આશરે ૭ અબજ ડોલર સુધી પહોંચ્યો છે તે છે. હાલમાં ભારત એશિયામાં સ્વીડનનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે, જ્યારે સ્વીડન તરફથી ભારતમાં એફડીઆઈ (FDI) ઇક્વિટી ઇનફ્લો ૨.૫૯ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ થાય છે, જ્યારે સ્વીડનથી મશીનરી, વાહનો અને ટેલિકોમ સાધનોની આયાત થાય છે, જે આ નવા કરારથી વધુ વેગ પકડે તેવી અપેક્ષા છે.
