તમિલનાડુના કુદ્દલોર જિલ્લાના કુરિંજીપાડી તાલુકામાં દિવાળીના તહેવારની બજારને ધ્યાનમાં રાખીને ઉછેરવામાં આવેલી આશરે ૫,૬૦૦ મરઘીઓ છેલ્લા ચારથી પાંચ દિવસમાં રહસ્યમય રીતે મૃત્યુ પામતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ ઘટના થિમ્માનમપેટ્ટાઈ, તિરુચોપુરમ અને કુરિંજીપાડી સહિતના વિસ્તારોના કુલ છ જેટલા પોલ્ટ્રી ફાર્મમાં નોંધાઈ છે. દિવાળીના તહેવારમાં ભારે માંગને પહોંચી વળવા માટે ખેડૂતોએ મોટા પાયે મરઘીઓનો ઉછેર કર્યો હતો, પરંતુ આ અણધારી આફતે તેમના વેપાર પર પાણી ફેરવી દીધું છે.
આ દુર્ઘટનાની શરૂઆત થિમ્માનમપેટ્ટાઈ ગામના એક ફાર્મથી થઈ હતી, જ્યાં શરૂઆતમાં ૨૦૦ થી ૨૫૦ મરઘીઓ મરી ગઈ હતી. ૩૦ ઓક્ટોબરે અધિકારીઓએ આ ફાર્મની મુલાકાત લઈને મરઘીઓનો ખોરાક અને પીવાના પાણીના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. જોતજોતામાં તે ફાર્મની તમામ ૩,૫૦૦ મરઘીઓ મૃત્યુ પામી હતી અને અન્ય પાંચ ફાર્મમાંથી પણ વધુ ૧,૯૧୦ મરઘીઓનાં મોતના અહેવાલ મળ્યા હતા. નમાક્કલ સ્થિત પોલ્ટ્રી ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ૨ નવેમ્બરના રિપોર્ટ મુજબ, મૃત્યુનું કારણ બર્ડ ફ્લૂ (LPAI) નથી તેવું સ્પષ્ટ થયું છે, જ્યારે માધવરામના ફાર્માકોવિજિલન્સ લેબમાંથી ખોરાકમાં કોઈ ઝેરી તત્વ હતું કે નહીં તેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા તમામ ૫,૬૦૦ મૃત મરઘીઓને નિયમો અનુસાર ઊંડા ખાડાઓમાં સુરક્ષિત રીતે દાટી દેવામાં આવી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારના ફાર્મ માલિકોને આગામી ત્રણ મહિના સુધી મરઘીઓનું વેચાણ ન કરવા તેમજ નવા ચૂંઝા લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાથે જ, ફાર્મમાં બહારના લોકોની અવરજવર રોકવી, વાહનોને સેનેટાઈઝ કરવા અને કડક બાયોસિક્યુરિટી ધોરણોનું પાલન કરવા જેવી સૂચનાઓ આપીને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.
