JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં નિવૃત્ત આર્મીમેનનો ઈકો કારમાં ભૂલાયેલો મોબાઈલ પોલીસે નેત્રમ્ કમાન્ડની મદદથી શોધી પરત સોંપ્યો

Oct 05, 2026 | 16:25 | By JAMNAGAR MIRROR
જામનગરમાં નિવૃત્ત આર્મીમેનનો ઈકો કારમાં ભૂલાયેલો મોબાઈલ પોલીસે નેત્રમ્ કમાન્ડની મદદથી શોધી પરત સોંપ્યો

જામનગર શહેર અને જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા તથા ગુના નિવારણ માટે કાર્યરત નેત્રમ્ શાખાની સીસીટીવી સર્વેલન્સ પ્રણાલી ફરી એક વખત નાગરિકની વહારે આવી છે. મોટી ખાવડીથી જામનગર આવી રહેલા એક નિવૃત્ત સૈનિકનો કિંમતી મોબાઈલ પેસેન્જર ઈકો કારમાં ભૂલાઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં તુરંત જ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વાહનની ઓળખ કરી ગણતરીના સમયમાં મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો છે.

બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી મોટી ખાવડી નજીક એક ખાનગી કંપનીની સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતા નિવૃત્ત આર્મીમેન દીપેન્દ્રકુમાર બહાદુર શ્રેષ્ઠ પોતાના વતન નેપાળ જવા માટે નીકળ્યા હતા. તેઓની જામનગર રેલવે સ્ટેશનથી ટ્રેન હોવાથી તેઓ મોટી ખાવડીથી એક પેસેન્જર ઈકો મોટરમાં બેસીને જામનગર તરફ રવાના થયા હતા. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં સંતોષી માતાના મંદિર નજીક તેઓ કારમાંથી નીચે ઉતર્યા હતા, પરંતુ ઉતાવળમાં પોતાનો મોબાઈલ ફોન તે જ વાહનની અંદર ભૂલી ગયા હતા.

થોડા સમય બાદ મોબાઈલ પોતાની પાસે ન હોવાનું ધ્યાને આવતા તેઓ ભારે ચિંતિત બન્યા હતા. વતન જવાની ટ્રેનનો સમય નજીક હોવાથી અને મોબાઈલમાં મહત્ત્વના સંપર્કો હોવાના કારણે તેઓએ તુરંત જ પોલીસ વિભાગનો સંપર્ક સાધ્યો હતો. આ રજૂઆતના પગલે જામનગર પોલીસની નેત્રમ્ શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. સીંગલ તથા તેમની ટીમે તાત્કાલિક ધોરણે ખોડિયાર કોલોની અને આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની બારીકાઈથી ચકાસણી હાથ ધરી હતી.

સતત નિરીક્ષણ બાદ ટીમે સંબંધિત ઈકો મોટરની ઓળખ મેળવી તેના ચાલકનો સંપર્ક કર્યો હતો. પોલીસે કારમાંથી મોબાઈલ ફોન સુરક્ષિત મેળવી લઈ નિવૃત્ત સૈનિક દીપેન્દ્રકુમારને સુપરત કર્યો હતો. પોતાનો ગુમ થયેલો ફોન તાત્કાલિક પાછો મળી જતાં નિવૃત્ત આર્મીમેને રાહતનો શ્વાસ લીધો હતો અને જામનગર પોલીસની સરાહનીય તથા ઝડપી કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

LATEST ARTICLES