કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર અને અર્થશાસ્ત્રી જેફરી સાક્સે તાજેતરમાં જણાવ્યું છે કે અદાણી ગ્રૂપ ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપન્શન અને આર્થિક પરિવર્તનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. 'એન્શિયન્ટ વિઝડમ ફોર મોર્ડન ચેલેન્જીસ' પર યોજાયેલી વર્લ્ડ સિમ્પોઝિયમમાં બોલતા તેમણે અદાણી ગ્રૂપના વિશાળ પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યો અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ટકાઉ વિકાસ માટે થઈ રહેલા કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે અદાણી જૂથ દેશમાં પરિવર્તન અને પ્રગતિ લાવનારા અગ્રણી પ્રાઈવેટ સેક્ટરના ખેલાડીઓમાંનું એક છે, જેણે પોર્ટ્સ, એરપોર્ટ્સ, એનર્જી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં દેશનો વિકાસ વેગવંતો બનાવ્યો છે.
આ પ્રસંગે સાક્સે પારિવારિક સંચાલિત ઉદ્યોગોની વિશેષ જવાબદારીઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે જે કંપનીઓ સાથે પરિવારનું નામ જોડાયેલું હોય છે, તે માત્ર વ્યાવસાયિક હિતો પૂરતી મર્યાદિત નથી હોતી, પરંતુ તેમાં પરિવારના મૂલ્યો, વારસો અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ પણ વણાયેલી હોય છે. આવા વ્યવસાયોએ હંમેશાં એ વિચારવું પડે છે કે તેઓ જે સમાજમાં કામ કરી રહ્યા છે તેને બદલામાં શું પાછું આપી રહ્યા છે. કોર્પોરેટ નફાકારકતા અને સામાજિક જવાબદારી વચ્ચેના સંતુલનની વાત કરતા તેમણે યુનિલિવરના પૂર્વ સીઈઓ પોલ પોલમેનના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે કઈ રીતે લિસ્ટેડ કંપનીઓએ નાણાકીય વળતરના દબાણ વચ્ચે પણ સામાજિક હેતુઓ સાચવવા પડે છે.
વધુમાં, સાક્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઉદ્યોગના સંદર્ભમાં વ્યાપારી મહત્વાકાંક્ષાઓ અને જાહેર સુરક્ષા વચ્ચેના નાજુક સંતુલન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આજના સમયમાં ઉદ્યોગો સામે બે મોટા પ્રશ્નો છે; એક તરફ સ્થાપિત સાહસોની સામાજિક જવાબદારી છે અને બીજી તરફ અદભુત ટેકનોલોજી વિકસાવતી કંપનીઓની જવાબદારી છે, જે દૂરગામી અસરો પેદા કરી શકે છે. ભારત જ્યારે પોર્ટ, રોડ, પાવર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે, ત્યારે અદાણી ગ્રૂપ જેવા અગ્રણી જૂથો દેશના આર્થિક વિકાસના રોડમેપમાં મુખ્ય ભૂમિકા ભજવીને દેશને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવી રહ્યા છે.
