સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.એમ. સુંદરશ અને ન્યાયાધીશ પી.બી. વરાલેની બેન્ચે તાજેતરમાં પ્રગટ થયેલા એક અખબારી અહેવાલની ગંભીર નોંધ લીધી છે. આ અહેવાલમાં ખુલાસો થયો હતો કે અદાલતના સ્પષ્ટ પ્રતિબંધો છતાં બજારોમાં ક્યૂઆર કોડ વાળા અને વગર વાળા તેમજ લાઇસન્સ ધરાવતા અને વગર લાઇસન્સના વિવિધ પ્રકારના ફટાકડા સરળતાથી ઉપલબ્ધ છે. આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા બેન્ચે વધારાના સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીને આ મામલે તાત્કાલિક ધ્યાન દોરવા અને કડક પગલાં લેવા માટે જણાવ્યું છે. અગાઉના નિર્દેશોનું પાલન કરાવવામાં સત્તાવાળાઓની નિષ્ફળતા સામે પણ કોર્ટે નારાજગી દર્શાવી છે.
અગાઉ ૨૯ ઓક્ટોબરના પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે ફટાકડા ફોડવાથી પ્રદૂષણના સ્તરમાં વધારો થશે, પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ જ એકમાત્ર અસરકારક ઉપાય છે કે નહીં તે નક્કી કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી. આથી, દિવાળીના પર્વ નિમિત્તે ૭ અને ૮ નવેમ્બરના રોજ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં માત્ર ગ્રીન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં સવારે ૬ થી ૭ વાગ્યા સુધી અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ નિયત સમયમયાર્દા બાદ એટલે કે ૯ નવેમ્બરથી સમગ્ર વિસ્તારમાં ફટાકડા પરનો સંપૂર્ણ પ્રતિબંધ ફરીથી અમલમાં આવી જશે.
કોર્ટે જનહિતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, પ્રાથમિક અને જિલ્લા સ્વાસ્થ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને નોટિફાઇડ સાયલન્સ ઝોનની આસપાસના ૩૦૦ મીટરના ત્રિજ્યાના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ સંવેદનશીલ સ્થળોને 'નો-ક્રૅકર ઝોન' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સત્તાવાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આ પ્રતિબંધિત વિસ્તારોને જમીન પર સ્પષ્ટપણે ચિહ્નિત કરે અને જનતામાં તેનો વ્યાપક પ્રચાર કરે જેથી નિયમોનું ચુસ્તપણે પાલન થઈ શકે.
