JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દેશભરમાં ૧૦૦ નવા સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાની યોજના, ભૂકંપ સંશોધનમાં મળશે મોટી સફળતા

| By JAMNAGAR MIRROR
દેશભરમાં ૧૦૦ નવા સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાની યોજના, ભૂકંપ સંશોધનમાં મળશે મોટી સફળતા
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા દેશભરમાં ૧૦૦ નવા સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તરણથી ૨.૫ ની તીવ્રતાના ઓછા ભૂકંપને પણ સચોટપણે શોધી શકાશે, જેનાથી આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) દ્વારા દેશના ભૌગોલિક અને આપત્તિ વ્યવસ્થાપન માળખાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મંત્રાલયના સચિવ શ્રીનિવાસ કુમાર તુમ્મલાએ જણાવ્યું હતું કે, દેશભરમાં કુલ ૧૦૦ નવી સિસ્મિક ઓબ્ઝર્વેટરી (ભૂકંપ માપક કેન્દ્રો) સ્થાપવામાં આવશે. આ યોજના અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ચાર-ચાર નવા ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ દ્વારા કિશ્તવાડમાં દેશના ૧૮૩મા સિસ્મિક ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે આ ભવિષ્યની યોજનાનો જ એક ભાગ છે.

આ રાષ્ટ્રીય સિસ્મોલોજિકલ નેટવર્કનો વ્યાપ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. વર્ષ ૨૦૧૪માં જ્યાં દેશમાં માત્ર ૮૪ સ્ટેશનો હતા, તે વધીને હાલમાં ૧૮૩ પર પહોંચી ગયા છે. આ નેટવર્ક હિમાલયી ક્ષેત્રો અને સરહદી વિસ્તારો સહિત સમગ્ર દેશમાં ચોવીસ કલાક ભૂકંપ પર નજર રાખે છે. અગાઉ વર્ષ ૨૦૧૪માં આ નેટવર્ક માત્ર ૪ કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ શોધી શકતું હતું, જે સુધરીને હવે ૩ કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ સુધી પહોંચ્યું છે. હવે પ્રસ્તાવીક ૧૦૦ નવા કેન્દ્રો શરૂ થવાથી આ ક્ષમતા વધુ વિકસિત થશે અને ૨.૫ ની ઓછી તીવ્રતા ધરાવતા સૂક્ષ્મ ભૂકંપોને પણ સરળતાથી શોધી શકાશે.

નવા ઓબ્ઝર્વેટરીઓમાં અત્યાધુનિક ડિજિટલ રેકોર્ડિંગ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અગાઉની એનાલોગ સિસ્ટમ કરતાં વધુ સચોટ છે. કિસતવાડનું નવું કેન્દ્ર ચેનાબ ઘાટી અને આસપાસના હિમાલયી ક્ષેત્રો માટે અત્યંતઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત, મંત્રાલય દ્વારા સિસ્મિક માઈક્રોઝોનેશન અભ્યાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત શ્રીનગર સહિત પાંચ શહેરોમાં આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અન્ય આઠ શહેરોના અહેવાલો પણ ટૂંક સમયમાં જાહેર થશે. નાગરિકો માટે 'ભૂકંપ' મોબાઈલ એપ, વેબસાઇટ, એસએમએસ અને સોશિયલ મીડિયા દ્વારા રીઅલ-ટાઇમ માહિતી પૂરી પાડવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

LATEST ARTICLES