JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાષ્ટ્રીય રાજધાનીમાં વ્યાપાર અને જનજીવન બચાવવા CAITની દિલ્હીના એલજી સમક્ષ વિશેષ માંગ

| By JAMNAGAR MIRROR
રાષ્ટ્રીય રાજધાનીમાં વ્યાપાર અને જનજીવન બચાવવા CAITની દિલ્હીના એલજી સમક્ષ વિશેષ માંગ
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર પાઠવીને, શહેરના મુખ્ય વિસ્તારોને બદલે બહારના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો માટે સત્તાવાર સ્થળો નક્કી કરવા આગ્રહ કરવામાં આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં સતત થતા વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને રાજકીય સભાઓના કારણે સામાન્ય જનજીવન અને વ્યાપારી પ્રવૃત્તિઓ પર માઠી અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વ્યાપારીઓની રાષ્ટ્રીય સંસ્થા 'CAIT'એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતીયા દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકનો છે, પરંતુ તેના કારણે સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દેવાનો કે અન્ય નાગરિકોના રોજિંદા વ્યવસાયના અધિકારને છીનવી લેવાનો કોઈને હક નથી. દિલ્હી જેવા મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રમાં વારંવારના ટ્રાફિક ડાયવર્ઝન અને રસ્તાઓ બ્લોક થવાથી માત્ર મોટા વેપારીઓ જ નહીં, પરંતુ પથારાવાળાઓ, દૈનિક વેતન મેળવનારા શ્રમિકો, ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ અને નાના દુકાનદારોની આજીવિકા પણ જોખમમાં મુકાય છે.

છેલ્લા કેટલાક સપ્તાહોમાં જંતર-મંતર, સંસદ માર્ગ અને કોનોટ પ્લેસ જેવા મુખ્ય વિસ્તારોમાં થયેલા દેખાવો અને તહેવારોની મોસમ દરમિયાન મેટ્રો સ્ટેશનના દરવાજા બંધ રહેવા કે ટ્રાફિક પર પ્રતિબંધોને કારણે બજારોમાં ગ્રાહકોની અવરજવર નહિવત થઈ ગઈ હતી. કન્નોટ પ્લેસ, ખાન માર્કેટ, જનપથ અને સદર બજાર જેવા પ્રમુખ વાણિજ્યિક કેન્દ્રોમાં વ્યાપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે, જે એક ચિંતાજનક વિષય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે CAITએ દિલ્હીના એલજી સમક્ષ મુખ્ય શહેરી વિસ્તારોમાંથી પ્રદર્શનો હટાવીને તેને શહેરની બહારના ભાગમાં ખસેડવા સહિતના કેટલાક રચનાત્મક સૂચનો રજૂ કર્યા છે.

વ્યાપારી સંસ્થા દ્વારા પ્રદર્શનો માટે દિલ્હીની હદ બહાર યોગ્ય સ્થળોને સત્તાવાર રીતે નોટિફાઇ કરવા, શાંતિપૂર્ણ પ્રદર્શનો થાય અને સાથે જ બજારો કે સાર્વજનિક વાહનવ્યવહાર અબાધિત રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ છે. આ ઉપરાંત, દિલ્હી પોલીસ, ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી એજન્સીઓ વચ્ચે વધુ સારી પરસ્પર સંકલન પ્રણાલી ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી જનહિત અને આર્થિક ગતિવિધિઓ બંને સુરક્ષિત રહી શકે. CAITનો આશય કોઈના પણ લોકશાહી અધિકારોને કુઠિત કરવાનો નથી, પરંતુ વ્યાપાર, ગ્રાહકોની સુવિધા અને લાખો લોકોની રોજગારીને અડીખમ રાખીને લોકશાહી અભિવ્યક્તિ વચ્ચે યોગ્ય સંતુલન સાધવાનો છે.

LATEST ARTICLES