લદાખના લેહમાં ક્ષીણ થઈ ચૂકેલી જમીનને પુનર્જીવિત કરીને હાથ ધરવામાં આવેલા એક અનોખા પ્રાયોગિક કેસર ખેતી પ્રોજેક્ટમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. સામાન્ય રીતે કેસરના છોડને રોપણી બાદ ખીલવામાં બે મહિનાનો સમય લાગતો હોય છે, પરંતુ આ પ્રોજેક્ટમાં માત્ર ૩૦ દિવસના ટૂંકા ગાળામાં જ પ્રથમ ફૂલો ખીલી નીકળ્યા છે. લેહના સ્પીતુક ફારકા ખાતે અંદાજે ૪,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ચાલી રહેલા આ પાઇલટ પ્રોજેક્ટના માધ્યમથી લદાખની ઠંડા રણની આબોહવા પણ કેસરના પાક માટે અનુકૂળ સાબિત થઈ શકે છે તેવું વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ રહ્યું છે.
આ પ્રાયોગિક ખેતરમાં શરૂઆતમાં દરરોજ સરેરાશ ૨૦ થી ૨૫ ફૂલો ખીલતા હતા, પરંતુ રવિવારની સવારે આ આંકડો વધીને ૭૨ પર પહોંચી ગયો હતો જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક રેકોર્ડ છે. કેસરના ફૂલો ખીલવાની શરૂઆત થયાના માત્ર ચાર દિવસના ટૂંકા સમયગાળામાં જ આશરે ૨૨ ગ્રામ શુદ્ધ કેસર એકત્રિત કરવામાં સફળતા મળી છે. લદાખના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતા ખેતીવાડી વિભાગ અને ક્ષેત્રે કામ કરતા તમામ કર્મચારીઓની સખત મહેનત અને સમર્પણની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
ભારતમાં અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીર કુલ કેસર ઉત્પાદનમાં આશરે ૯૦ ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ હવે લદાખમાં પણ આની શરૂઆત થવાથી કૃષિ ક્ષેત્રે નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. કેસર એ ખૂબ જ ઊંચી બજાર કિંમત ધરાવતો અને ઊંચું વળતર આપતો કિંમતી પાક છે, જે સ્થાનિક ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. આ પાઇલટ પ્રોજેક્ટની શરુઆતની સફળતા દર્શાવે છે કે જો ભવિષ્યમાં આ પદ્ધતિ મોટા પાયે અપનાવવામાં આવે તો લદાખના ખેડૂતો માટે આર્થિક સધ્ધરતા મેળવવાનો એક નવો અને મજબૂત વિકલ્પ ઉપલબ્ધ બનશે.
