બહેરીનમાં યોજાયેલી 'મનામા ડાયલોગ' પરિષદ દરમિયાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને અન્ય ગલ્ફ દેશોના નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, જો અમેરિકા અને ઇઝરાયેલ વધુ તૈયારી સાથે સજ્જ થયેલા ઈરાન પર ફરીથી હુમલો કરશે તો આખો પ્રદેશ એક ભીષણ યુદ્ધની આગમાં હોમાઈ જશે. ગલ્ફના અગ્રણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ આ કટોકટીમાં કોઈ પણ ભોગે જોડાવા માંગતા નહોતા પરંતુ તેમ છતાં તેમને અજાણતાં જ આ સંઘર્ષમાં ખેંચી લાવવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો કે રાજદ્વારી વાટાઘાટોને થોડો વધુ સમય આપવાની તૈયારી દર્શાવી છે અને જ્યાં સુધી શાંતિ કરાર બાબતે કોઈ ચોક્કસ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અસ્થાયી રૂપે હુમલાઓ અટકાવ્યા છે, જેના કારણે સોમવારે શરૂઆતી વેપારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે ૩ ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો છે.
ઈરાન સામે અગાઉ થયેલા હુમલાઓ અને તેના પ્રતિઉત્તરમાં ઈરાન દ્વારા છોડવામાં આવેલા હજારો મિસાઇલો તથા ડ્રોન હુમલાઓને કારણે ગલ્ફ દેશોના અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે. સાઉદી અરેબિયા, UAE અને કતાર જેવા દેશોના ઓઈલ પ્લાન્ટ્સ, એરપોર્ટ અને પાવર પ્લાન્ટ્સ નિશાન બન્યા હોવાથી આ ક્ષેત્રનું અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સૌથી નબળા દેખાવ કરનારા અર્થતંત્રોમાં સામેલ થયું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના અનુમાન મુજબ સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ, ઈરાને પણ સાવચેતીના ભાગરૂપે પોતાની સૈન્ય ક્ષમતા મજબૂત કરી લીધી છે અને જો ફરીથી હુમલા થશે તો કોઈપણ ભૌગોલિક મર્યાદા વગર વધુ આક્રમક અને વિનાશક પલટવાર કરવાની ચેતવણી આપી છે.
આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ગલ્ફ દેશો, તુર્કી અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ તેહરાનની મુલાકાત લઈને સઘન રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા છે. ઈરાન હોરમુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે અમેરિકા સમક્ષ આર્થિક પ્રતિબંધો હટાવવા અને સ્થિર સંપત્તિ મુક્ત કરવા જેવી શતો રાખી રહ્યું છે, જ્યારે અમેરિકા પરમાણુ છૂટછાટોની માંગ પર અડગ છે. જો કે, નિષ્ણાતો અને પ્રાદેશિક નેતાઓનું માનવું છે કે જો સમયસર કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે અને અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ થશે, તો તેના પરિણામો સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્ર માટે અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે.
