મહારાષ્ટ્રના પુણે શહેરમાં અત્યંત મહત્વાકાંક્ષી ગણાતા શિવાજીનગર-હિંજેવાડી-માઁ મેટ્રો કોરિડોરના ભવ્ય ઉદ્ઘાટનના માત્ર એક જ દિવસ પહેલાં માઁ મેટ્રો સ્ટેશન પર પાણી ટપકવાની ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી દેવદ્ર ફડણવીસના હસ્તે યોજાનારા આ મહત્ત્વપૂર્ણ લોકાર્પણના થોડા કલાકો પહેલા જ સોશિયલ મીડિયા પર સ્ટેશનની અંદર પાણી ભરાયા હોવાના અને લિકેજ થઈ રહ્યા હોવાના દ્રશ્યો વાયરલ થયા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય નાગરિકો અને મુસાફરોની સુરક્ષા તેમજ આ પ્રોજેક્ટના બાંધકામની ગુણવત્તા સામે ભારે સવાલો ઉભા થયા હતા, જેના કારણે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.
આ સમગ્ર વિવાદ વધતા પુણે મેટોપોલિટન રીજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) દ્વારા રવિવારે મોડી રાત્રે એક સત્તાવાર સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી. પીએમઆરડીએના મુખ્ય ઈજનેર રિનાઝ પઠાણે જણાવ્યું હતું કે સ્ટેશનમાં પાણી ઝૂરવાની આ ઘટના પાછળ કોઈ પણ પ્રકારની માળખાકીય ખામી જવાબદાર નથી. સ્ટેશનના એન્ટ્રી સ્ટ્રક્ચર પર બનેલા ટેરેસ સ્લેબમાં વરસાદી પાણીની નિકાસ માટેની ડ્રેનેજ પાઇપમાં અસ્થાયી રૂપે કચરો ફસાવાથી બ્લોકેજ સર્જાયું હતું. ટેરેસ ખુલ્લી હોવાને કારણે ભારે વરસાદનું પાણી ડ્રેનેજ લાઇન બ્લોક થવાને લીધે ઓવરફ્લો થઈને સ્ટેશનના મેઝેનાઈન લેવલ સુધી પહોંચ્યું હતું, જો કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બ્લોકેજ દૂર કરીને ડ્રેનેજ સિસ્ટમ પૂર્વવત કરી દેવામાં આવી છે.
બીજી બાજુ, આ પ્રોજેક્ટની વિશાળ રૂપરેખા સ્પષ્ટ કરતા પીએમઆરડીએ કમિશનર ડૉ. અભિજીત ચૌધરીએ જણાવ્યું હતું કે 'પૂણેરી મેટ્રો' અથવા 'પિંક લાઇન' તરીકે ઓળખાતો આ ૨૩.૨૦૩ કિલોમીટર લાંબો કોરિડોર માણથી શરૂ થઈને રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્ક થઈને શિવાજીનગર સુધી વિસ્તરેલો છે. અંદાજે રૂ. ૮,૩૧૩ કરોડના જંગી ખર્ચે પીપીપી ધોરણે તૈયાર થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રારંભિક તબક્કે ૧૭ સ્ટેશનો મુસાફરોની સેવા માટે ખુલ્લા મૂકવામાં આવશે. પીએમઆરડીએ દ્વારા ભલે આ ઘટનાને માત્ર એક ટેકનિકલ અવરોધ ગણાવીને ફગાવી દેવામાં આવી હોય, પરંતુ લોકાર્પણ પહેલા જ સામે આવેલી આ ખામીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુણવત્તાના ધોરણો અંગે ચર્ચા છેડી દીધી છે.
