દેશના જાણીતા મીડિયા બેરોન અને એસલ ગ્રુપના સુભાષ ચંદ્રા સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની પ્રાથમિક એફઆઈઆરના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગનો કડક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) સાથે જોડાયેલા અંદાજે ૧,૩૨૨ કરોડ રૂપિયાના લોન કૌભાંડ અને તેના ડિફોલ્ટ સાથે સંબંધિત છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સુભાષ ચંદ્રાએ લોન મેળવવા માટે તેમની નાણાકીય સ્થિતિ અને નેટવર્થ ખોટી રીતે વધારીને દર્શાવી હતી અને બાદમાં લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે નાણાકીય સંસ્થાને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
સીબીઆઈની એફઆઈઆર અને એલઆઈસીએચએફએલની સત્તાવાર ફરિયાદ મુજબ, આ સમગ્ર વિવાદમાં મુખ્યત્વે બે મોટી લોન સુવિધાઓ સામેલ છે. જેમાં વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ માટે ૫૦૦ કરોડ રૂપિયા અને ડિજિટલ સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ માટે ૪૮૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. આ લોન પાસ કરાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા જારી કરાયેલા નેટવર્થ પ્રમાણપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સુભાષ ચંદ્રાની નેટવર્થ અંદાજે ૪૦,૦૦૦ કરોડથી લઈને ૫૯,૦૦૦ કરોડ રૂપિયા સુધીની દર્શાવવામાં આવી હતી. જો કે, બાદમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેંકપ્સી કોડની કાર્યવાહી દરમિયાન ચંદ્રાએ ખુદ આટલી મોટી નેટવર્થ હોવાનો ઇનકાર કર્યો હતો અને વર્ષ ૨૦૨૪માં પોતાની નેટવર્થ માત્ર ૩૧.૭૯ કરોડ રૂપિયા જ હોવાનું જણાવ્યું હતું.
આ ગંભીર ઘટનાક્રમ વચ્ચે, 'ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ' (Zee) ના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલો આ કેસ ડૉ. સુભાષ ચંદ્રા સામે તેમની વ્યક્તિગત ક્ષમતામાં છે અને તેનો કંપની કે તેના રોજિંદા વ્યવસાયો સાથે કોઈ જ સંબંધ નથી. લોન આપનાર સંસ્થા LICHFL એ નેશનલ કંપની લો અપેલિઅટ ટ્રિબ્યુનલ (NCLAT) સમક્ષ પણ આ મામલે વાંધો ઉઠાવ્યો છે, કારણ કે ચંદ્રાની વ્યક્તિગત મિલકતોમાંથી લેણાં વસૂલવા માટેની યોજના સામે નાણાકીય સંસ્થાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ઇડી આ સમગ્ર કાવતરા અને બનાવટી દસ્તાવેજોના આધારે લોન કૌભાંડ આચરનારા અન્ય સહ-ઉધારકર્તાઓ અને અધિકારીઓની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
