વર્ષ ૨૦૨૫ વૈશ્વિક પવન ઉર્જા ઉદ્યોગ માટે અત્યાર સુધીનું શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું છે, જેમાં ગ્રીડ સાથે ૧૬૦ ગીગાવોટથી વધુ ક્ષમતા ઉમેરાઈ છે અને આજે વિશ્વના ૧૩૩ જેટલા દેશો પવન ઉર્જાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ભારત જેવા ઉભરતા અર્થતંત્રોમાં પણ આ ક્ષેત્રે ઉત્સાહજનક વિકાસ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ વિંડ એનર્જી કાઉન્સિલ (GWEC) ના સીઈઓ બેન બેકવેલના જણાવ્યા અનુસાર, ભારતે વર્ષ ૨૦૨૫માં ૬.૩ ગીગાવોટ પવન ઉર્જા ઉમેરી છે અને આગામી સમયમાં આ આંકડો ૭.૫ ગીગાવોટ સુધી પહોંચવાની સંભાવના છે. ચીન જેવા બજારોમાં થોડી નરમાઈ છતાં વૈશ્વિક સ્તરે પવન ઉર્જાનો વ્યાપ સતત વધી રહ્યો છે.
ભારતીય બજારમાં સુધારા પાછળ પ્રોજેક્ટ્સનું ઉત્તમ અમલીકરણ, અનુકૂળ કિંમાતો અને બજારની બદલાતી ગતિશીલતા મુખ્ય કારણો છે. માત્ર સોલાર પર નિર્ભર રહેવા કરતાં પવન, સોલાર અને બેટરી સ્ટોરેજને જોડતી હાઇબ્રિડ સિસ્ટમ વધુ કાર્યક્ષમ અને સસ્તી સાબિત થઈ રહી છે. ભારતે તેની પવન ઉર્જા ક્ષમતાનો માત્ર ૫ ટકા જ ઉપયોગ કર્યો છે, જે ભવિષ્યમાં વિસ્તરણ માટે વિશાળ તકો પૂરી પાડે છે. જોકે, કેન્દ્ર સરકારની મજબૂત નીતિઓ છતાં રાજ્ય સ્તરે અમલીકરણમાં આવતી અડચણો અને ગ્રીડ સંકલનના પડકારોને દૂર કરવા અત્યંત આવશ્યક છે જેથી પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થઈ શકે.
તમિલનાડુ જેવા રાજ્યો પાસે ઉત્તમ દરિયાકાંઠાની સગવડો, મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને સપ્લાય ચેઈન હોવા છતાં રાજ્ય સરકારે વધુ સક્રિય બનીને સ્પર્ધાત્મક માહોલ ઊભો કરવો પડશે. આ ઉપરાંત, જૂની વિંડ ટર્બાઇન્સને અપગ્રેડ કરવા એટલે કે રીપાવરિંગ કરવા માટે જમીનના કરારો અને ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા જટિલ પ્રશ્નો ઉકેલવા જરૂરી છે. સ્પેન જેવા દેશોની જેમ સરકારે જો સરળ નીતિગત માળખું અને મૂડીખર્ચ પ્રોત્સાહનો પૂરા પાડ્યા, તો ભારત પવન ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે હબ બની શકે છે અને દેશવાસીઓને સસ્તી ઉર્જા મળી શકે છે.
