દિલ્હીમાં શિયાળાની શરૂઆતની સાથે જ પ્રદૂષણ રાક્ષસ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, સવારે ૧૦ વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૧૪ નોંધાયો હતો, જે આ સિઝનમાં પ્રથમવાર 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં સરક્યો છે. આર.કે. પુરમમાં ૩૭૦, અક્ષરધામ પાસે ૩૪૯, આઈટીઓ ખાતે ૩૪૯ અને અલીપુરમાં ૩૮૨ સુધી AQI પહોંચી જવાથી સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ઝેરી હવાની ચુંગાલમાં ફસાઈ ગઈ છે. શૂન્યથી ૫૦ સુધીનો AQI સારો અને ૩૦૧ થી ૪૦૦ સુધીનો 'ખૂબ જ ખરાબ' ગણાય છે, જે સ્થિતિ હવે દિલ્હીમાં પ્રવર્તી રહી છે.
હવાની ગુણવત્તામાં થતા સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ૧ નવેમ્બરથી વિન્ટર એક્શન પ્લાન અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના બીજા તબક્કાના સખત પ્રતિબંધો અમલમાં મૂક્યા છે. આ નિયમો અંતર્ગત BS-VI ધોરણોનું પાલન ન કરતી બહારની ગાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ધૂળ પેદા કરતા તમામ બાંધકામ અને તોડકામ પ્રવૃત્તિઓ પર ૩૧ જાન્યુઆરી સુધી રોક લગાવી દેવામાં આવી છે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટે તે હેતુસર સત્તાવાર પાર્કિંગ ફી બમણી કરી દેવામાં આવી છે અને સરકારી તથા ખાનગી કાર્યાલયોમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામકાજ તેમજ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર જેવા પગલાં લેવામાં આવ્યા છે.
પ્રથમ જ દિવસે કડક અમલીકરણના ભાગરૂપે પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પ્રશાસને લાલ આંખ કરી છે અને કુલ ૬૮.૪ લાખ રૂપિયાનો દંડ તથા પર્યાવરણીય વળતર વસૂલ્યું છે. લગભગ ૧૫,૦૦૦ જેટલા વાહનોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બોર્ડર પરથી ૧,૫૩૯ વાહનોને પરત મોકલવામાં આવ્યા હતા અને પીયુસી (PUC)ના નિયમો તોડવા બદલ ૫૬૬ ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. પ્રદૂષણ સામેની આ લડાઈ આગામી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે, પરંતુ દિલ્હીવાસીઓ માટે શિયાળાની આ સિઝન શ્વાસ લેવા માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.
