વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એકતા દિવસ નિમિત્તે વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વિપક્ષોની રાજકીય માનસિકતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા સરકારની નીતિઓ સામે પડકાર ફેંકવાની અને વિરોધ નોંધાવવાની હોય છે, પરંતુ દુર્ભાગ્યવશ આજે વિપક્ષ એક 'અવરોધક શક્તિ'માં પરિવર્તિત થઈ ગયો છે. છેલ્લા એક દાયકાથી સત્તાથી દૂર રહેવાના નિરાશા અને ફ્રસ્ટ્રેશનના કારણે આ લોકો હવે ખુલ્લેઆમ દેશના વિકાસ પથ પર રોડા અટવાવવાનું મુખ્ય રાજકારણ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, બંધારણની મર્યાદાઓ અને ગરિમાને તોડીને આ શક્તિઓ ભારત માતાના સંતાનો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને દેશને વિભાજિત કરવાના ગુપ્ત તેમજ ઘાતક ષડયંત્ર રચી રહી છે.
વિપક્ષી નેતાઓની વિદેશયાત્રાઓ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રહાર કરતા વડાપ્રધાને ચેતવણી આપી હતી કે દેશની છબી ખરાબ કરવા માટે સોશિયલ મીડિયાને એક હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યું છે અને અફવાઓ ફેલાવાઈ રહી છે. કોઈનું નામ લીધા વિના તેમણે રાહુલ ગાંધી પર નિશાન તાકતા કહ્યું કે વિદેશમાં રહસ્યમય બેઠકો કરનારાઓ કોને મળી રહ્યા છે અને ભારત વિરોધી તાકાતો તેમને કેમ સમર્થન આપી રહી છે, તે દેશવાસીઓએ ઓળખવું પડશે. જેઓ દુશ્મનોની ભાષા બોલી રહ્યા છે અને દેશના દુશ્મનો સાથે સાંઠગાંઠ ધરાવે છે, તેમની આ કારીગરીને ઓળખીને તમામ નાગરિકોએ સંયુક્તપણે તેનો મક્કમ સામનો કરવો પડશે તેવી અપીલ તેમણે કરી હતી.
દેશમાંથી ગરીબી અને નક્સલવાદના નાબૂદી અંગે વાત કરતા વડાપ્રધાને જૂના રાજકીય પક્ષો પર કટાક્ષ કર્યો કે આઝાદીથી ગરીબી હટાવવાના નામે માત્ર નારા આપવામાં આવ્યા અને વોટ બેંકની રાજનીતિ થઈ, પરંતુ વાસ્તવિકતા એ છે કે 'ગરીબી હટાવનાર' જ વધુ અમીર બનતા ગયા. વર્લ્ડ બેંકના અહેવાલને ટાંકીને તેમણે ગર્વ સાથે જણાવ્યું કે છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં સરકારી યોજનાઓ, મફત અનાજ, સ્વાસ્થ્ય સેવાઓ, પાકા મકાનો, શૌચાલય અને ઉજ્જ્વલા યોજના જેવા પગલાંથી ૫૦ કરોડ લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ ઉપરાંત, દેશમાંથી નક્સલવાદ અને માઓવાદનો સંપૂર્ણ ખાતમો બોલાવવાની પોતાની પ્રતિજ્ઞા પૂરી થયાનું જણાવીને તેમણે ઉમેર્યું કે ભૌતિક નક્સલવાદનો અંત આવ્યો છે, પરંતુ હાલના સમયમાં 'દિમાગી નક્સલવાદ'નું જોખમ દેશ માટે મોટો પડકાર બની રહ્યું છે જેનો સામનો કરવો જરૂરી છે.
