આ ભયાનક ઘટના અંગે પ્રત્યક્ષદર્શી અને ભોગ બનનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ હુમલો એટલો અચાનક થયો કે કોઈને પણ સાવચેત થવાનો કે બચાવ કરવાનો મોકો જ ન મળ્યો. શાળાના એક શિક્ષકે આ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, "અમે કશું સમજીએ કે પરિસ્થિતિનો તાગ મેળવીએ તે પહેલાં જ આ ખૂની હુમલો થઈ ચૂક્યો હતો." આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બે વિદ્યાર્થીનીઓની ઓળખ ગીતિકા અને લક્ષ્મી તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું અને આરોપી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલ બંને વિદ્યાર્થીનીઓને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી, પરંતુ શિક્ષણ જગતમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને ચિંતા પ્રવર્તી રહી છે.
