નવી દિલ્હી ખાતે વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ‘દિલ્હી ચલો’ માર્ચ અને રામલીલા મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન પાછળ મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તન (SIR) માં કથિત અનિયમિતતાઓનો મુદ્દો મુખ્ય છે. આ રેલીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કોંગ્રેસ પાર્ટી સમક્ષ પાંચ મૂળભૂત સવાલો મૂકીને રાજકીય ગરમાવો વધારી દીધો છે અને કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
પોતાના સવાલોમાં રિજિજુએ યાદ અપાવ્યું કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી તે સમયે યોજાઈ હતી જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની યુપીએ સરકાર હતી અને ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક પણ તે જ સરકારે કરી હતી, છતાં કોંગ્રેસ માત્ર ૪૪ બેઠકો જ કેમ જીતી શકી? વધુમાં, વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ૨૦૨૪ની ચૂંટણી વખતે આ પદ પર ન હતા અને ૨૦૨૫માં ટોચના પદ પર પ્રમોટ થયા હતા, તો પણ કોંગ્રેસ સતત ત્રીજી ચૂંટણી કેમ હારી ગઈ? તેવા તીક્ષ્ણ સવાલો મંત્રીએ પૂછ્યા છે. વિપક્ષી ગઠબંધન દ્વારા ચૂંટણી પંચ પર ભાજપના પક્ષમાં ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેના જવાબમાં ભાજપે આ વળતા પ્રહારો કર્યા છે.
ચૂંટણી સુધારણા અને મતદાર યાદીના વિવાદ અંગે વાત કરતા રિજિજુએ પૂછ્યું કે શું મતદાર યાદીમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, મૃત વ્યક્તો અને સ્થળાંતર કરનારાઓને દૂર ન કરવા જોઈએ અને શું અગાઉની આઠ પુનરાવર્તન કવાયતો પણ ગેરકાયદેસર હતી? સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ આ વિવાદ વધુ વકર્યો છે, જેમાં ચૂંટણી કમિશનરો વચ્ચેના મતભેદોની ચર્ચા કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે બહુ-સભ્ય સંસ્થાઓમાં મતભેદો સામાન્ય છે અને તમામ નિર્ણયો આખરે સર્વાનુમતે કે બહુમતીથી લેવામાં આવ્યા છે. આ સમગ્ર રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપે પણ ૧૯૮૪ના શિખ વિરોધી રમખાણોને કેન્દ્રમાં રાખીને કાઉન્ટર-પ્રોટેસ્ટની રણનીતિ બનાવી છે.
