લગભગ એક વર્ષ અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને લેખક-દિગ્દર્શક પલાશ મુચ્છલ વચ્ચેના સંબંધો અને લગ્નજીવનના સમીકરણો અચાનક બગડી ગયા હતા. આ સંબંધોના અંત પાછળ અનેક અટકળો વહેતી થઈ હતી, જેમાં સ્મૃતિના બાળપણના મિત્ર તથા અભિનેતા-નિર્માતા વિદ્યાન માનેએ કેટલાક સનસનાટીભર્યા ખુલાસા કર્યા હતા. વિદ્યાન માનેના દાવા મુજબ, લગ્ન પહેલાં જ પલાશને અન્ય એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં ઝડપી લેવામાં આવ્યો હતો, જેને લઈને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્યોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, વિદ્યાને પલાશ પર તેની આગામી ફિલ્મ 'નઝરિયા' માટે આપવામાં આવેલા રૂ. 40 લાખ પરત ન કરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
સ્મૃતિના મિત્ર દ્વારા કરવામાં આવેલા આ ખુલાસાઓએ પલાશ મુચ્છલની છબીને મોટો ધક્કો પહોંચાડ્યો હતો. આ તમામ આરોપોને નકારી કાઢવા માટે પલાશે વિદ્યાન માને વિરુદ્ધ રૂ. 10 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. જોકે, બોમ્બે હાઈકોર્ટે આ કેસને ફગાવી દેતા પલાશને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. ચુકાદા બાદ પ્રતિક્રિયા આપતા વિદ્યાન માનેએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈએ પણ માત્ર પબ્લિસિટી મેળવવા માટે કોર્ટમાં પાયાવિહોણા દાવા ન કરવા જોઈએ અને કાયદાથી ઉપર કોઈ નથી.
હાઈકોર્ટમાંથી દાવો રદ થયા બાદ વિદ્યાન માને હવે આક્રમક મૂડમાં છે અને તેમણે પલાશ મુચ્છલ સામે કડક કાયદાકીય તથા ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની ચીમકી આપી છે. વિદ્યાનનું માનવું છે કે પલાશ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા તમામ દાવાઓ મનઘડત અને કાલ્પનિક છે, જેને તે જનતા અને પલાશના પરિવાર સમક્ષ લાવવા માંગે છે જેથી સત્ય બહાર આવી શકે. બીજી તરફ, આ સમગ્ર પ્રકરણમાં હજુ સુધી પલાશ મુચ્છલ કે તેમની કાનૂની ટીમ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, જેના કારણે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવના છે.
