JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

વલસાડમાં ફાર્મસી કોલેજના નવા બિલ્ડિંગનું લોકાર્પણ: કોવિડકાળમાં ગુજરાતે દુનિયાને પૂરી પાડી હતી દવા

Oct 31, 2026 | 01:35 | By JAMNAGAR MIRROR
વલસાડમાં ફાર્મસી કોલેજના નવા બિલ્ડિંગનું લોકાર્પણ: કોવિડકાળમાં ગુજરાતે દુનિયાને પૂરી પાડી હતી દવા
વલસાડ ખાતે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ફાર્મસી કોલેજના નવનિર્મિત ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ વૈશ્વિક સ્તરે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાતના યોગદાનને બિરદાવ્યું હતું અને આ સંકુલથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળવાની આશા વ્યક્ત કરી હતી.

વલસાડના શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કિસનભાઈ દેસાઈ ફાર્મસી કોલેજના અત્યાધુનિક નવનિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણ સમારોહ શુક્રવારે ભવ્ય રીતે યોજાયયો હતો. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ-ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ કોલેજ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈ સંકુલમાં શરૂ થયેલી આ ફાર્મસી કોલેજ થકી વલસાડ જિલ્લાના યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત થશે તેવી દ્રઢ શ્રદ્ધા મંત્રીએ વ્યક્ત કરી હતી.

આ લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત વક્તવ્ય આપતા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીના કપરા કાળને યાદ કરતા એક ગર્વભરી વિગત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં ગુજરાત રાજ્યે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમસ્ત વિશ્વના દેશોને કોવિડ વિરોધી જરૂરી દવાઓનો પર્યાપ્ત જથ્થો પૂરો પાડીને 'વૈશ્વિક ફાર્મસી' તરીકેની પોતાની ઓળખ મજબૂત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ના માધ્યમથી આજે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિદેશી રોકાણો પણ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે, જેનાથી રાજ્યના વિકાસને નવી ગતિ મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે દાનવીરોના ઉદાર સહયોગને બિરદાવતા મંત્રીએ કિસનભાઈ દેસાઈ અને તેમના પરિવારજનોનો જાહેરમાં હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે આ કોલેજ માટે ઉદાર હાથે દાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે નૂતન કેળવણી મંડળ દ્વારા દાયકાઓથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાની પ્રશંસનીય કામગીરીને વધાવી હતી. આ સાથે જ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયાએ પણ મંડળને અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થાના ઉત્થાન માટે રૂપિયા એક કરોડની માતબર રકમનું અનુદાન આપવાની જાહેરાત કરી વાતાવરણને વધુ પ્રેરણાદાયી બનાવ્યું હતું.