JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

વાપી પંથકમાં આસ્થા અને ઉમંગ સાથે ઉજવાયું કરવા ચોથનું પર્વ

Oct 31, 2026 | 01:35 | By JAMNAGAR MIRROR
વાપી પંથકમાં આસ્થા અને ઉમંગ સાથે ઉજવાયું કરવા ચોથનું પર્વ
પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના સાથે વાપી પંથકમાં મહિલાઓએ નિર્જળા કરવા ચોથનું વ્રત આસ્થાપૂર્વક ઉજવ્યું. સોળ શણગાર સજીને શિવ પરિવારની પૂજા કરી ચંદ્રદર્શન કરી વ્રત પૂર્ણ કર્યું હતું.

પતિ-પત્નીના અતૂટ પ્રેમ અને સમર્પણના પ્રતીક સમાન કરવા ચોથના પર્વની વાપી વિસ્તારમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર પરિણીતાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે અન્ન અને જળનો ત્યાગ કરીને કઠિન નિર્જળા વ્રત રાખ્યું હતું. સવારના બ્રહ્મ મુહૂર્તમાં વડીલોના આશીર્વાદ સાથે 'સરગી' ગ્રહણ કરીને આ પવિત્ર વ્રતની શરૂઆત કરવામાં આવી હતી, જેણે સમગ્ર પરિવારમાં એક ઉત્સવનું વાતાવરણ ઊભું કર્યું હતું.

પર્વને લઈને વાપીના બજારોમાં પણ ભારેહસ્તી અને રોનક જોવા મળી હતી. મહિલાઓએ ઉત્સાહભેર ખરીદી કરતા બજારો ખરીદદારોથી ઉભરાયા હતા. પૂજા માટે ખાસ અનિવાર્ય ગણાતા માટીના કર્વા, છાણી, શણગારેલી પૂજાની થાળીઓ, શ્રૃંગારની સામગ્રી અને પરંપરાગત મીઠાઈઓની ખરીદીમાં ભારે ભીડ જામી હતી. આ ઉપરાંત, વ્રતની સુંદરતા વધારવા માટે મહિલાઓએ પોતાના હાથમાં મનમોહક અને કલાત્મક મહેંદી મૂકાવી હતી તેમજ સોળ શણગાર સજીને અદ્ભુત પારિવારિક તેમજ સાંસ્કૃતિકઝલક રજૂ કરી હતી.

સાંજ પડતાં જ વાપી પંથકના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને વિધિવત રીતે શિવ પરિવાર તેમજ ચોથ માતાની પૂજા-અર્ચના કરી હતી. દિવસભરના ઉપવાસ બાદ રાત્રે ચંદ્રના દર્શન કરીને અને છાણીમાં દીવો પ્રગટાવીને મહિલાઓએ પોતાના પતિના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા અને પતિના હાથે પાણી પીને પોતાનું વ્રત પૂર્ણ કર્યું હતું. આ તહેવારે માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ પારિવારિક સ્નેહ અને સંસ્કારોને પણ વધુ ગાઢ બનાવ્યા હતા.