JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

દુબઈની રિયલ એસ્ટેટ કંપનીએ બેસ્ટ પરફોર્મર કર્મચારીને આપી કરોડોની લેમ્બોર્ગિની કારની ભેટ

| By JAMNAGAR MIRROR
દુબઈની રિયલ એસ્ટેટ કંપનીએ બેસ્ટ પરફોર્મર કર્મચારીને આપી કરોડોની લેમ્બોર્ગિની કારની ભેટ
દુબઈની રિચકી પ્રોપર્ટીઝ કંપનીએ પોતાની ત્રીજી વર્ષગાંઠ પર ૪૭૦૦ કરોડનું વેચાણ કરનાર સ્ટાર એજન્ટ નતાશા ચાવેઝને કરોડોની લક્ઝરી કાર ભેટમાં આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે કોર્પોરેટ જગતમાં કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ કેશ બોનસ, ઇન્ક્રિમેન્ટ કે પ્રમોશન આપવાની પરંપરા રહી છે, પરંતુ દુબઈની એક અગ્રણી રિયલ એસ્ટેટ કંપની 'રિચકી પ્રોપર્ટીઝ' આ પરંપરાથી એક કદમ આગળ વધીને એવી ભેટ આપી છે જેણે સમગ્ર સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો છે. કંપનીએ પોતાની ત્રીજી વર્ષગાંઠ અને વાર્ષિક એવોર્ડ નાઇટના ભવ્ય આયોજન દરમિયાન પોતાના બેસ્ટ પરફોર્મર કર્મચારીને સીધી લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસ ભેટમાં આપી છે. કર્મચારીની સખત મહેનત અને સમર્પણને બિરદાવવાની આ અનોખી રીત હાલમાં બિઝનેસ વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે.

આ ભવ્ય વાર્ષિક ઉત્સવમાં કંપનીની સ્ટાર એજન્ટ નતાશા ચાવેઝને વર્ષ ૨૦૨૬ માટે 'ટોપ પરફોર્મર' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નતાશાએ છેલ્લા બે વર્ષના ટૂંકા ગાળામાં પોતાની અદ્ભુત વેચાણ કુશળતા અને અથાક મહેનતના બળે ૫૦૦ મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ૪,૭૦૦ કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટીનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું હતું. તેમની આ અસાધારણ વ્યાવસાયિક સિદ્ધિને સન્માનિત કરવા માટે જ્યારે સ્ટેજ પર વાદળી રંગની શાનદાર લેમ્બોર્ગિની ઉરુસ પરથી પડદો હટાવવામાં આવ્યો, ત્યારે નતાશાની ખુશીનો પાર રહ્યો નહોતો. આશરે ૨.૩ કરોડથી ૪ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ લક્ઝરી કારની ચાવી મળતા તેમની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા હતા.

આ સમગ્ર અવિસ્મરણીય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ પર શેર થતાં જ આગની જેમ વાયરલ થઈ ગયો છે. કંપનીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં 'મોટી જીત, મોટાં સપનાં' એવો પ્રેરણાદાયી સંદેશ આપીને કર્મચારીઓના સપનાને ઉડાડ આપવાનું સમર્થન કર્યું છે. આ વીડિયો જોઈને નેટીઝન્સ કંપનીના સીઈઓની ઉદારતા અને કર્મચારી પ્રત્યેની વફાદારીના મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું માનવું છે કે જો દરેક સંસ્થાઓમાં કર્મચારીઓની ક્ષમતા અને મહેનતને આ પ્રકારે બિરદાવવામાં આવે, તો કર્મચારીઓ વધુ ઉત્સાહ અને વફાદારી સાથે કંપનીની પ્રગતિમાં યોગદાન આપી શકે છે.

LATEST ARTICLES