ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવાના હેતુસર આગામી ૨ થી ૭ નવેમ્બર 2026 દરમિયાન રાજ્યવ્યાપી 'સતર્કતા જાગૃતિ સપ્તાહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. "Probity for Prosperity" એટલે કે સત્યનિષ્ઠાથી સમૃદ્ધિની આ વર્ષની મુખ્ય થીમ હેઠળ યોજાનાર આ અભિયાનનો ઉદ્દેશ્ય સમાજમાં પ્રમાણિકતા, નૈતિક મૂલ્યો અને સક્રિય નાગરિકતાની ભાવનાને વધુ દ્રઢ કરવાનો છે. આ સપ્તાહ દરમિયાન રાજ્યના તમામ સરકારી વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વ્યાપક સ્તરે જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે, જેમાં અભિયાનના પ્રારંભિક દિવસે એટલે કે ૨ નવેમ્બરે સત્તાવાર રીતે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ ગ્રહણ કરવામાં આવશે.
આ વ્યાપક જનજાગૃતિ અભિયાનને માત્ર સરકારી દફતરો પૂરતું સીમિત ન રાખતા સામાન્ય જનતાને પણ જોડવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાગરિકો માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ ખુદ સી.વી.સી. (Central Vigilance Commission) ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને ડિજિટલ માધ્યમથી 'ઈ-પ્રતિજ્ઞા' લઈ શકશે. આ ઉપરાંત રાજ્યની શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં નિવારક સતર્કતા અંગેની નીતિઓ પર વિશેષ કાર્યશાળાઓ અને માર્ગદર્શિકા પત્રોનું વિતરણ પણ કરવામાં આવશે, જેથી યુવા પેઢી અને કર્મચારીઓમાં ભ્રષ્ટાચાર વિરોધી સભાનતા કેળવી શકાય અને વહીવટી પ્રક્રિયા વધુ લોકભીમુ બની શકે.
લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા માટે ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે જેમાં વોકથોન, મેરેથોન, શેરી નાટકો, જાગૃતિ ગ્રામ સભાઓ તેમજ રંગોળી અને પોસ્ટર મેકિંગ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. લોકસાહિત્ય અને પરંપરાગત પપેટ શૉ જેવા માધ્યમો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી સંદેશાઓ સરળતાથી જન-જન સુધી પહોંચાડવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, બલ્ક એસ.એમ.એસ., ઈ-મેઈલ અને વોટ્સએપના આધુનિક માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરીને તથા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ટેગ કરીને વધુમાં વધુ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
