તાજેતરમાં ગ્રેટર નોઈડામાં પંજાબ નેશનલ બેંકની શાખામાં ખેડૂતોના બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી રકમની ઉચાપત થવાની ઘટનાએ સમગ્ર બેંકિંગ સેક્ટરમાં ખળભળાટ મચાવ્યો છે. ખાતાધારકોની સ્પષ્ટ સંમતિ વગર નાણાં ઉપાડી લેવા કે એફડી તોડી નાખવાના આ કિસ્સાઓએ બેંકોમાં જમા મૂડીની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી, નિવૃત્તિનું ભંડોળ અને પરિવારના ભવિષ્ય માટે બેંક પર આંખો બંધ કરીને ભરોસો મૂકે છે, પરંતુ આવી ઘટનાઓ ગ્રાહકોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે.
જો તમારા પણ બેંક ખાતામાંથી અચાનક નાણાં ગાયબ થઈ જાય, તો ગભરાઈ જવાને બદલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા અત્યંત આવશ્યક છે. સૌથી પહેલાં બેંકની અધિકૃત હેલ્પલાઇન, મોબાઈલ એપ અથવા શાખામાં જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવો અને તેનો રેફરન્સ નંબર ચોક્કસ મેળવો. કાર્ડ કે ઇન્ટરનેટ બેંકિંગનો દુરુપયોગ થયો હોવાની શંકા હોય તો તરત જ તે સેવાઓ બ્લોક કરી પાસવર્ડ બદલી નાખો. આ ઉપરાંત, ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં સાયબર ક્રાઈમની હેલ્પલાઈન નંબર 1930 પર કે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ત્વરિત ફરિયાદ નોંધાવવાથી નાણાં આગળ જતા અટકાવવામાં મદદ મળી શકે છે.
આવી સ્થિતિમાં નાણાં પરત મળશે કે નહીં તે સમગ્રપણે બનાવના કારણ અને જવાબદારી પર નિર્ભર કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, જો બેંકની આંતરિક સુરક્ષામાં છીંડા, સિસ્ટમની ખામી કે કર્મચારીઓની મિલીભગત અને બેદરકારીના કારણે ગ્રાહકના ખાતામાંથી વગર મંજૂરીએ રકમ ઉપાડી લેવામાં આવી હોય, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય ગણાય છે. આવા સંજોગોમાં બેંક ગ્રાહકને સંપૂર્ણ રકમ પરત કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલી રહે છે, જે ગ્રાહકો માટે મોટો સુરક્ષા કવચ પૂરો પાડે છે.
