સ્ટ્રોક એ એવી ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં મગજને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન ન મળવાને કારણે મગજના કોષો ઝડપથી મૃત્યુ પામવા લાગે છે. મુંબઈની જાણીતી હોસ્પિટલના ન્યુરોઇન્ટરવેન્શનલ સર્જરી વિભાગના વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, જો સમયસર યોગ્ય સારવાર ન મળે તો દર્દીને કાયમી લકવો, બોલવાની કે ચાલવાની ગંભીર સમસ્યાઓ અથવા મૃત્યુ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આમ છતાં, મોટાભાગના લોકો અને પરિવારો શરૂઆતનાં લક્ષણોને માત્ર સામાન્ય થાક, નબળાઈ કે ચક્કર સમજીને ગંભીરતાથી લેતા નથી અને આ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ જોખમને ટાળવા માટે 'B.E.F.A.S.T.' (બેલેન્સ, આઈ્સ, ફેસ, આર્મ્સ, સ્પીચ અને ટાઈમ) ફોર્મ્યુલા દ્વારા સંતુલન ગુમાવવું, આંખોથી ઝાંખું દેખાવું, ચહેરો ઢળી જવો, હાથ-પગમાં નબળાઈ અને બોલવામાં તકલીફ જેવા છ સંકેતોને વહેલી તકે ઓળખી લેવા અત્યંત આવશ્યક છે.
જ્યારે પણ સ્ટ્રોકનાં લક્ષણો દેખાય ત્યારે દર્દી જાતે જ સાજો થઈ જશે તેવી રાહ જોયા વગર તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવવી અથવા સ્ટ્રોક-કેરની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં પહોંચવું જોઈએ. આ પરિસ્થિતિમાં દર્દીને પોતાની મેળે ખાવા-પીવાની ચીજવસ્તુઓ, પાણી કે ડૉક્ટરની સલાહ વગર એસ્પિરિન જેવી દવાઓ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે ગળવાની ક્ષમતા પ્રભાવિત થવાથી ખોરાક શ્વાસનળીમાં જવાનો મોટો ખતરો રહે છે. તબીબી વિજ્ઞાને આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે જેમાં ઇસ્કેમિક સ્ટ્રોક માટે ગઠ્ઠો ઓગાળતી દવાઓ, મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી તેમજ સીટી એન્જિયોગ્રાફી અને એમઆરઆઈ જેવી આધુનિક ઇમેજિંગ પદ્ધતિઓ દ્વારા મગજને થતા નુકસાનને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે. જો સ્ટ્રોક રક્તસ્રાવને કારણે થયો હોય તો બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખીને સમયસર ન્યુરોસર્જિકલ સારવાર આપવી પણ એટલી જ અનિવાર્ય બને છે.
ભવિષ્યમાં સ્ટ્રોકના જોખમથી સુરક્ષિત રહેવા માટે જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવા ખૂબ જ જરૂરી છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને હંમેશાં નિયંત્રણમાં રાખવા, ધૂમ્રપાનથી દૂર રહેવું અને નિયમિત કસરત તથા સંતુલિત આહાર અપનાવવો સામેલ છે. સમયાંતરે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાથી જોખમી પરિબળોને શરૂઆતના તબક્કામાં જ પકડી શકાય છે. સ્ટ્રોકની સારવારમાં એક-એક મિનિટ કિંમતી હોય છે અને થોડો પણ વિલંબ મગજને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તેથી, કોઈપણ પ્રકારની લાપરવાહી દાખવ્યા વિના સતર્ક રહીને આ સંકેતોને ઓળખવા અને સમયસર યોગ્ય તબીબી સહાય મેળવવી જ બુદ્ધિમાની છે.
