દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રે અચાનક બદલાયેલા હવામાન અને ભારે વરસાદના કારણે વાતાવરણમાં એક અનોખી ઠંડક પ્રસરી ગઈ છે. હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન અને જામિયા મિલિયા ઇસ્લામિયા સહિતના મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભીંજાયેલા નજરે પડ્યા હતા અને આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું હતું. આ અણધાર્યા વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે આગામી દિવસોમાં દિલ્હીમાં કડકડતી ઠંડીના આગમનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે. નાગરિકોએ પણ આ બદલાયેલા હવામાનનો આનંદ માણવાનું શરૂ કરી દીધું છે.
આ કમોસમી વરસાદ માત્ર ઠંડી જ નહીં પરંતુ દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવા લાયક ચોખ્ખી હવા પણ લઈને આવ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, બુધવાર અને ગુરુવાર સુધી 'ખરાબ' શ્રેણીમાં (૨૦૦ થી ઉપર) રહેલો દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) શુક્રવારે સવારે ઘટીને ૧૩૩ એટલે કે 'મધ્યમ' સ્તરે આવી પહોંચ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આગામી કલાકો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગે દેશના અન્ય ભાગોમાં પણ હવામાનના મોટા ફેરફારોની ચેતવણી આપી છે. ઉત્તર અને પૂર્વ ભારતના રાજ્યો જેવા કે બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને પૂરનું જોખમ પણ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે નવેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવનો અને વરસાદનો નવો दौर શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
