પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલા પ્લોટ નંબર 233 અને 234 પર ધમધમતા દેવી કૃપા પ્રોટીન્સ નામના ખાદ્યતેલ રિપેકિંગ યુનિટ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે એફડીસીએની ટીમ દ્વારા અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીની અંદરની સ્થિતિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે જ્યાં ખાવાપીવાની ચીજવસ્તુઓ પેક થતી હતી ત્યાં ચારેય બાજુ અત્યંત ગંદકી અને બેદરકારી જોવા મળી હતી.
આ તપાસ દરમિયાન ફેક્ટરીની અંદર પક્ષીઓનાં માળાં અને કરોળિયાનાં મોટા પ્રમાણમાં જાળાં જોવા મળ્યાં હતાં, જે સ્પષ્ટ સાબિત કરતું હતું કે અહીં સ્વચ્છતાના નિયમોને સરેઆમ નેવે મૂકવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ યુનિટમાં બ્રાન્ડ કે નવા પેકિંગના બદલે જૂનાં 15 કિલોનાં વપરાયેલાં ટીનમાં ખાદ્યતેલનું રિપેકિંગ કરવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને એફડીસીએની ટીમે તાત્કાલિક ધોરણે આ એકમનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું અને સ્થળ પરથી અંદાજે રૂ. 1.60 લાખની કિંમત ધરાવતો કુલ 1,075 કિલો ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી લીધો હતો.
આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે સોયાબીન તેલના 2 અને સીંગતેલનો 1 એમ કુલ 3 નમૂનાઓ વિધિવત રીતે લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને કાનૂની પ્રક્રિયા મુજબ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આ બેજવાબદાર પેઢી સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વો સામે તંત્રની આ લાલ આંખથી સ્થાનિક સ્તરે હડકંપ મચી ગયો છે.
