JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગર-ખંભાળિયા હાઇવે પર તંત્રનું બુલડોઝર ફટકાયું, આશરે 15 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

| By JAMNAGAR MIRROR
જામનગર-ખંભાળિયા હાઇવે પર તંત્રનું બુલડોઝર ફટકાયું, આશરે 15 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની નોટિસ બાદ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર-લાખાબાવળ વિસ્તારમાં થયેલા દબાણો સામે સપાટો બોલાવાયો છે. ચાની હોટલ અને ગેરેજ સહિતના આશરે 15 જેટલા અનઅધિકૃત બાંધકામો જેસીબીની મદદથી હટાવીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરકારી જમીન પર ખડકાયેલા અનઅધિકૃત બાંધકામો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગોરધનપરથી લાખાબાવળ જતા રસ્તાની સાઈડમાં લાંબા સમયથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કબજા જમાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે વાહનવ્યવહારમાં પણ મુશ્કેલી સર્જાતી હતી. આ મામલાની ગંભીરતા સમજીને ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સંબંધિત દબાણકર્તાઓને અગાઉથી જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી અને જાતે જ દબાણો હટાવી લેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ હતી.

આ કાર્યવાહી અંતર્ગત ધોરીમાર્ગની આસપાસ ઊભા કરાયેલા આશરે 15 જેટલા અનઅધિકૃત બાંધકામોને નિશાન બનાવાયા હતા. જેમાં ખાસ કરીને ચાની હોટલો, ગેરેજ, બોરવેલ, વાહનોના વાડા તેમજ અન્ય વિવિધ ધંધાકીય દબાણોનો સમાવેશ થતો હતો. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી 7 દિવસની કાનૂની મુદ્ત દરમિયાન કેટલાક જાગૃત ધંધાર્થીઓએ જાતે જ પોતાના શેડ અને સામાન હટાવી લીધા હતા, જ્યારે બાકી રહેલા દબાણોને હટાવવા માટે તંત્ર દ્વારા જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તંત્રની આ કડક કાર્યવાહીના પગલે હાઇવેની આજુબાજુની કિંમતી સરકારી જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી થઈ ગઈ છે અને દબાણકારોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ સરકારી માર્ગો પર કોઈ નવું ગેરકાયદેસર દબાણ ન થાય તે માટે સતત વોચ રાખવામાં આવશે અને જો કોઈ ફરીથી કબ્જો કરવાનો પ્રયાસ કરશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ સફાઈ અભિયાનથી હાઇવે પર અવરજવર કરતા વાહનચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

LATEST ARTICLES