JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરના રણજીતસાગર રોડ પર ગટરનો ઉંચો મેઈન હોલ બન્યો અકસ્માતનું નિમિત્ત

| By JAMNAGAR MIRROR
જામનગરના રણજીતસાગર રોડ પર ગટરનો ઉંચો મેઈન હોલ બન્યો અકસ્માતનું નિમિત્ત
જડેશ્વર પાર્ક પાસે રોડથી એક ફૂટ ઊંચા બનેલા મેઈન હોલના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. મંગળવારે સાંજે સ્કૂટર સવાર યુવતી કાબૂ ગુમાવીને દીવાલમાં ટકરાતા તેને ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા જડેશ્વર પાર્ક નજીક ૮૦ ફૂટના મુખ્ય રોડ પર જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ શાખા દ્વારા તાજેતરમાં જ એક નવો ગટરનો મેઈન હોલ બનાવવામાં આવ્યો છે. સ્થાનિક વિસ્તારમાં પાંચેક દિવસ પહેલા જ તૈયાર કરાયેલા આ મેઈન હોલના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રોડની સપાટીથી અંદાજે એકાદ ફૂટ જેટલો ઊંચો આ મેઈન હોલ બનાવવામાં આવવાને કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીર નોંધ લેવામાં આવી નથી.

આ બેદરકારીનું વધુ એક ઉદાહરણ મંગળવારે સાંજે જોવા મળ્યું હતું, જ્યારે એક યુવતી સ્કૂટર લઈને આ રોડ પરથી પસાર થઈ રહી હતી. અચાનક નજરે ન ચડેલા કે ઊંચાઈ પર આવેલા આ મેઈન હોલ પર સ્કૂટર ચડી જતાં યુવતી વાહન પરથી કાબૂ ગુમાવી બેઠી હતી અને સીધી નજીકની દીવાલમાં ધડાકાભેર ટકરાઈને નીચે પટકાયાઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી આ યુવતીને સમયસર ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ જોખમી મેઈન હોલને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની અણઘડ કામગીરીના કારણે અકસ્માતોની પરંપરા શરૂ થઈ ગઈ છે અને કોઈપણ મોટો જાનમાલનું નુકસાન થાય તે પહેલા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ મેઈન હોલને રોડ લેવલ સરખો કરવો જોઈએ તેવી લોકમાગ ઉઠી રહી છે. જો આગામી દિવસોમાં આ માર્ગનું સમારકામ નહીં થાય તો સ્થાનિકો દ્વારા મોટું આંદોલન કરવાની પણ ચીખ ઉચ્ચારવામાં આવી છે.

LATEST ARTICLES