જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાનું સ્તર વધુ ઊંચું લાવવા માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં સોલીડ વેસ્ટના નવા બાયલોઝ-2026 ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવને આખરી મંજૂરી મળ્યા બાદ આ કાયદો સત્તાવાર રીતે અમલમાં આવી જશે. આ નવા નિયમો પાછળનો મુખ્ય હેતુ કચરો તેના ઉદ્ભવ સ્થાને જ અલગ કરવાની વ્યવસ્થા ગોઠવવાનો છે, જેથી રિસાયક્લિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરી શૂન્ય લેન્ડફિલ તરફ આગળ વધી શકાય અને સરક્યુલર ઈકોનોમીને વેગ આપી શકાય.
નવા નિયમો અનુસાર ઘરમાં જ કચરાનું લીલા, વાદળી, લાલ અને કાળા એમ 4 અલગ ડબ્બામાં વર્ગીકરણ કરવું પડશે. લીલા ડબ્બામાં ભીનો કચરો, વાદળીમાં સૂકો કચરો, લાલ ડબ્બામાં સેનેટરી કચરો અને કાળા ડબ્બામાં ઘરેલુ જોખમી કચરો જેમ કે કેમિકલ, દવા કે પેઇન્ટના ડબ્બા નાખવાના રહેશે. ડાયપર કે સેનેટરી પેડ યોગ્ય રીતે કાગળમાં લપેટીને જ લાલ ડબ્બામાં આપવાના રહેશે. આ ઉપરાંત હોટલ, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા મોટા કચરો ઉત્પન્ન કરનારાઓએ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. જાહેર સ્થળો કે ખુલ્લા પ્લોટમાં કચરો કે બાંધકામની રાડ ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક સળગાવવું એ ગંભીર ગુનો બનશે.
આ કાયદાનો ચુસ્ત અમલ કરાવવા માટે દરેક વોર્ડમાં ન્યુસન્સ સ્કવોડ સક્રિય થશે અને માર્શલ દ્વારા સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારાઓ પાસેથી કમ્પાઉન્ડ ચાર્જ વસૂલવાની સાથે જરૂર પડ્યે મિલકત સીલ કરવા કે વેપારીનો પરવાનો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા સફાઈ કર્મચારીઓને તાલીમ અને યાંત્રિક સાધનો પૂરા પાડવામાં આવશે ત્યારે નાગરિકોએ પણ જવાબદારી સમજીને કચરો યોગ્ય જગ્યાએ જ આપીને જામનગરને વધુ સ્વચ્છ બનાવવામાં સહયોગ આપવો પડશે.
