ભારતની ડિજિટલ ક્રાંતિમાં મોટું નામ ધરાવતી રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સે પોતાની સ્થાપનાના 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે. તાજેતરમાં જિયો પ્લેટફોર્મ્સના દેશના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓને રોકાણકારો તરફથી ઐતિહાસિક સબસ્ક્રિપ્શન મળ્યું છે, જેના કારણે શેરબજારમાં નવો જ ઉત્સાહ જોવા મળ્યો છે. આ મોટી સફળતા અને લિસ્ટિંગના શાનદાર પ્રસંગને ઉજવવા માટે અંબાણી પરિવાર દ્વારા જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે જામનગર નજીક આવેલા નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામોમાં ભવ્ય સામૂહિક ભોજન સમારંભ યોજાયા હતા. આ ભોજન સમારંભમાં ત્રણેય ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર જોડાયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણી અને ગ્રૂપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સૌએ સાથે મળીને પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારે પોતાની ખુશી ગ્રામજનો સાથે વહેંચીને રિફાઈનરી આસપાસના લોકો સાથેના પોતાના જૂના અને ગાઢ આત્મીય સંબંધોની પ્રતીતિ કરાવી હતી.
ગ્રામજનોએ પણ જિયોની આ ઐતિહાસિક સિદ્ધિને ખુલ્લા મને વધાવી લીધી હતી અને અંબાણી પરિવાર તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે પોતાની આત્મીય લાગણી વ્યક્ત કરી હતી. ગામના લોકોએ આ પ્રસંગે કંપનીની ઉત્તરોત્તર પ્રગતિ માટે હૃદયપૂર્વક શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા. પોતાની ખુશીમાં સ્થાનીક ગ્રામજનોને સામેલ કરીને અંબાણી પરિવારે લોક કલ્યાણ અને સહકારની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
