JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

જામનગરની કોલેજમાં સેમિનાર: ગ્રેડ નહીં સંતાનો સાથેના સંબંધો છે વધુ મહત્ત્વપૂર્ણ

| By JAMNAGAR MIRROR
જામનગરની કોલેજમાં સેમિનાર: ગ્રેડ નહીં સંતાનો સાથેના સંબંધો છે વધુ મહત્ત્વપૂર્ણ
જામનગરની ભવન્સ શ્રી એચ.જે. દોશી કોલેજમાં યોજાયેલા ચાઇલ્ડ સાયકોલોજી સેમિનારમાં મનોવિજ્ઞાનના નિષ્ણાતે વાલીઓને મોટું માર્ગદર્શન આપ્યું છે. આજની જનરેશન ઝેડની વિચારસરણી સમજવા અને બાળકો પર અપેક્ષાઓ થોપવાને બદલે તેમની સાથે મિત્રતાપૂર્ણ સંબંધો કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જામનગરની ભવન્સ શ્રી એચ.જે. દોશી કોલેજમાં તાજેતરમાં યુવા પેઢીની બદલાતી વિચારસરણી અને ચાઇલ્ડ સાયકોલોજી વિષયક એક માર્ગદર્શક સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યંગ માઇન્ડ અ પેરેન્ટ્સ રોડમેપ ટુ ચાઇલ્ડ સાયકોલોજી શીર્ષક હેઠળ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ માતા-પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. તૌસિફ ખાન પઠાણે મનોવિજ્ઞાનના નિષ્ણાત હાર્દિકભાઈ ત્રિવેદીનું સૂતરની આંટી અને ભગવદ્ ગીતા ભેટ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રિન્સિપાલ પઠાણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોલેજ માત્ર ડિગ્રી આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સેતુનું કામ કરે છે.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત મનોવિજ્ઞાનના નિષ્ણાત હાર્દિકભાઈ ત્રિવેદીએ વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજની જનરેશન ઝેડના યુવાનોની વિચારસરણી અગાઉની પેઢી કરતા તદ્દન અલગ છે. આજના યુવાનો માત્ર સ્થિર નોકરી પાછળ દોડવાને બદલે પોતાના સપનાં અને રસ મુજબ સફળતા મેળવવા ઈચ્છે છે અને નવી ટેક્નોલોજીની મદદથી 20 કલાકનું કામ માત્ર 2 કલાકમાં પૂરું કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેમણે વાલીઓને ખાસ સલાહ આપી હતી કે પોતાના સંતાનોની સરખામણી ક્યારેય અન્ય બાળકો સાથે ન કરવી જોઈએ. બાળકો પર પોતાના વિચારો અને અપેક્ષાઓ થોપવાને બદલે તેમની ક્ષમતા અને પસંદગીને સમજીને પેઢીઓ વચ્ચેનું અંતર ઘટાડવું અનિવાર્ય છે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં બાળ ઉછેર અને માનસિક સ્વાસ્થ્યને લગતી મહત્વની વાતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતે સ્પષ્ટ જણાવ્યું હતું કે બાળકોના રિપોર્ટ કાર્ડમાં આવતા ગ્રેડ કરતાં તેમની સાથેના પારિવારિક સંબંધો વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. સંતાનોને માત્ર સ્વતંત્રતા આપવી પૂરતી નથી, પરંતુ તેમને યોગ્ય સમર્થન પૂરું પાડવું પણ એટલું જ જરૂરી છે. બાળકોની સફળતાને માત્ર ગુણ કે નોકરીથી નહીં, પરંતુ તેમના આત્મવિશ્વાસ અને ખુશીથી માપવી જોઈએ. આ સેમિનારમાં કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડો. રવિ ઓઝા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને પ્રોફેસરો હિરલ પંડ્યા, જિગ્નેશ જોશી, ડો. ભૂષણ જોશી સહિતના અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સુંદર આયોજનને સફળ બનાવ્યું હતું.

LATEST ARTICLES