દિવસેને દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીની સમસ્યા ગંભીર થતી જાય છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પાણીની તંગી કાયમી બની ગઈ છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જિલ્લા આમઆદમી પાર્ટીના પ્રમુખ રામજીભાઈ સતવારા દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યસભા અને લોકસભાના સાંસદોને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં મુખ્યત્વે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
આ રજૂઆત મુજબ સમગ્ર જિલ્લામાં કુલ 294 જેટલા નાના-મોટા તળાવો આવેલા છે, જેની સત્તાવાર માપણી અથવા રીસર્વે કરાવવા માટે અગાઉ ગ્રામ પંચાયતો દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ મુશ્કેલી એ છે કે લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા માપણી માટે સરકારની નિયત ફી ભરવાનું કહેવામાં આવે છે, જેની પાછળ મોટો ખર્ચ થતો હોય છે અને ગ્રામ પંચાયતો પાસે પૂરતું ભંડોળ ન હોવાને કારણે આ માપણીનું કામ અટકી પડે છે. બીજી બાજુ ખાનગી કંપનીઓ દ્વારા તળાવોની આસપાસ થાંભલા નાખવાની પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર દબાણો પણ વધવા લાગ્યા છે જેના કારણે તળાવોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.
જો સરકાર દ્વારા આ માપણી માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો તમામ તળાવોનો ચોક્કસ એરિયા અને ક્ષેત્રફળ નક્કી થઈ શકે તેમ છે. તળાવોની માપણી થઈ ગયા પછી 7/12 અને 8-અ ના દસ્તાવેજોમાં તેની સત્તાવાર નોંધ થઈ જાય, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના દબાણો ન થાય અને તળાવોની જમીન સુરક્ષિત રહે. આનાથી માત્ર દબાણો જ અટકશે નહીં પરંતુ તળાવોનો વૈજ્ઞાનિક ધોરણે વિકાસ કરીને જળસંચયના કાર્યો પણ વેગવંતા બનશે, જેનાથી આખા જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનોને મોટો ફાયદો થશે.
