જામનગર શહેર અને જિલ્લામાં વસવાટ કરતી અનેક નિરાધાર વિધવા બહેનોને સરકાર તરફથી મળવાપાત્ર વિધવા પેન્શનની રકમ લાંબા સમયથી ચૂકવવામાં આવી ન હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર અને સેવાદળના પ્રભારી રચના બેન નંદાણીયા દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વિધવા પેન્શન મેળવવા માટે આ નિરાધાર મહિલાઓ સરકારી ઓફિસોના રોજના ધક્કા ખાવા મજબૂર બની છે, છતાં તેમને કોઈ ચોક્કસ જવાબ મળતો નથી અને સરકારી કર્મચારીઓ દ્વારા તેમને દિવાળી પછી પેન્શન મળશે તેવા ગોળગોળ જવાબો અપાઈ રહ્યા છે.
આ ગંભીર સમસ્યાને લઈને સવાલ ઉઠ્યો છે કે જો તંત્ર દિવાળી પછી પેન્શન આપવાની વાત કરે તો આ ગરીબ વિધવા બહેનો પોતાની દિવાળી કેવી રીતે ઉજવી શકશે? સરકાર દ્વારા સરકારી તાયફાઓ પાછળ આડેધડ કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચવામાં આવે છે, પરંતુ આ નિરાધાર બહેનોના હકના પેન્શન માટે સરકાર પાસે નજીવી રકમ પણ નથી તેવા સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આ રોષ અને વેદના વ્યક્ત કરવા માટે પીડિત બહેનોએ તાજેતરમાં જામનગર કલેકટર કચેરીમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠનું પઠન કર્યું હતું અને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા મહિલાઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો વહેલી તકે પેન્શનના બાકી હપ્તા ખાતામાં જમા નહીં કરાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. દિવાળી જેવા પર્વ ટાણે જ જો વિધવા બહેનોએ પેન્શન માટે વલખાં મારવા પડે તો તે સરકારી વહીવટી તંત્ર માટે શરમજનક કહેવાય. જિલ્લા કલેકટરે આ માને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે સંબંધિત વિભાગને આદેશ આપીને તમામ વિધવા બહેનોના અટવાયેલા નાણાં વહેલી તકે છૂટા કરાવવા જોઈએ તેવી લોકમાં ઉગ્ર માંગ ઉઠી છે.
