JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દિવાળી પહેલા રાજકોટ પોલીસ બેડામાં ખુશીનો માહોલ, 56 પોલીસકર્મીઓને મળ્યા પ્રમોશનના ઓર્ડર

| By JAMNAGAR MIRROR
દિવાળી પહેલા રાજકોટ પોલીસ બેડામાં ખુશીનો માહોલ, 56 પોલીસકર્મીઓને મળ્યા પ્રમોશનના ઓર્ડર
દિવાળીના તહેવાર ટાંકણે જ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શહેરના પોલીસ કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. અલગ અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં ફરજ બજાવતા કુલ 56 પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવતા પરિવાર અને મિત્રોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

રાજકોટ શહેર પોલીસ બેડા માટે આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ સાબિત થઈ છે, કારણ કે તહેવાર ટાંકણે જ પોલીસ કર્મચારીઓને પ્રમોશનની મોટી ભેટ મળી છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા લેવાયેલા આ નિર્ણયથી લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા કર્મીઓના ચહેરા પર ખુશી ખીલી ઉઠી છે. દિવાળીના ખુશીના માહોલ વચ્ચે પોલીસ વિભાગમાંથી બઢતીના સત્તાવાર ઓર્ડર બહાર આવતા પ્રમોશન મેળવનાર તમામ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોમાં ઉજવણીનો માહોલ બેવડાય ગયો છે.

આ ખાસ બઢતી અન્વયે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 26 જેટલા કર્મીઓને પ્રમોશન આપીને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર યાની કે એએસઆઈ બનાવવામાં આવ્યા છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના કૌશેન્દ્રસિંહ ઝાલા, માલવિયાનગરના મહેશભાઈ રૂદાતલા, ટ્રાફિક શાખાના હેમંતકુમાર તલાવિયા અને કમલેશભાઈ મકવાણા, યુનિવર્સિટી પોલીસ સાથે જોડાયેલા 112ના દીપકભાઈ જાદવ, આજીડેમના અજયભાઇ વિકમા તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથકના નિલેશકુમાર કુગશિયાને પ્રમોશન મળ્યું છે. આ ઉપરાંત ખાસ શાખાના પૂનમબેન સુળીયા, મહિલા પોલીસ મથકના ગીતાબેન પરમાર, પ્રદ્યુમન નગરના હેતલબેન રામાણી, યુનિવર્સિટી પોલીસના કિરણબેન પરમાર, પ્રદ્યુમન નગરના સુમિતાબેન ડાંગર અને પૂર્વીબેન પાટડીયા, ગાંધીગ્રામ એટેચ એસીપી પશ્ચિમ વિભાગના શબાનાબેન બેલીમ, એસીપી દક્ષિણના જયદીપસિંહ ચુડાસમા, એ ડિવિઝનના પરાક્રમસિંહ ગંભીરસિંહ ઝાલા અને ડીસીપી ઝોન-1 કચેરીના ભરતભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. સાથે જ એ ડિવિઝનના લલિતભાઈ વાઘેલા, એએચટીયુ શાખાના જીજ્ઞેશભાઈ મારૂ, વિજયકુમાર ટુંડીયા, થોરાળા પોલીસના હિતેષભાઇ કોઠીવાળ, ભક્તિનગરના મહંમદ તાલિબભાઈ ચાનિયા, માલવિયાનગરના અરુણભાઈ ચાવડા, પ્રદ્યુમન નગરના પ્રીતિબા ગોહિલ, ડીસીબીના ગિરિરાજસિંહ જાડેજા અને એરપોર્ટ પોલીસના પ્રવિણસિંહ ઝાલા પણ એએસઆઈ બન્યા છે. આ તમામ નામાંકિત ચહેરાઓ ઉપરાંત અનાર્મડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અન્ય 30 કર્મીઓને પણ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપીને નવી જગ્યાએ બદલીના ઓર્ડર કરાયા છે.

પોલીસ ખાતામાં સમયસર મળેલા આ પ્રમોશનથી કર્મચારીઓની કામ કરવાની ઉત્સાહ અને ઊર્જામાં વધારો થયો છે. તહેવારોના આ દિવસોમાં મળેલી આ ભેટને કારણે પોલીસ સ્ટેશનોમાં પણ સહકર્મીઓ દ્વારા પ્રમોશન મેળવનાર તમામ પોલીસ જવાનોનું મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ તમામ નવા હોદ્દા પર આવેલા કર્મીઓ વધુ ઉત્સાહથી પોતાની ફરજ બજાવશે તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

LATEST ARTICLES