JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અદાણી ગ્રુપની મોટી નજર, ડચ એનર્જી સ્ટોરેજ કંપની VTTI ને ખરીદવા માટે 3.4 બિલિયન ડોલરની સંભવિત ડીલ પર ચર્ચા

| By JAMNAGAR MIRROR
અદાણી ગ્રુપની મોટી નજર, ડચ એનર્જી સ્ટોરેજ કંપની VTTI ને ખરીદવા માટે 3.4 બિલિયન ડોલરની સંભવિત ડીલ પર ચર્ચા
બ્રિટિશ પોર્ટ્સની ડીલ ચૂકી ગયા બાદ હવે અદાણી ગ્રુપ વૈશ્વિક એનર્જી માર્કેટમાં પગપેસારો કરવા માટે ડચ કંપની VTTIને હસ્તગત કરવાની રેસમાં સામેલ થયું છે. આ સોદો અંદાજે 3.4 બિલિયન ડોલર એટલે કે 3 અબજ યુરો આસપાસ હોઈ શકે છે, જેનાથી કંપનીના ગ્લોબલ ટ્રાન્સપોર્ટ પ્લેટફોર્મને વધુ મજબૂતી મળશે.

અદાણી ગ્રુપે તાજેતરમાં જ યુકેની એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ એટલે કે ABP માં હિસ્સો ખરીદવાની તક ગુમાવી દીધી હતી, કારણ કે 64 ટકા હિસ્સો ઓસ્ટ્રેલિયન એસેટ મેનેજમેન્ટ ફર્મ IFM ઇન્વેસ્ટર્સને વેચાઈ ગયો હતો. આ ઝટકા બાદ હવે અદાણી ગ્રુપ યુરોપ સ્થિત અન્ય એક મોટી એસેટ પર નજર લગાવીને બેઠું છે. રિપોર્ટ્સ અનુસાર, અદાણી ગ્રુપ રોટરડેમ સ્થિત એનર્જી સ્ટોરેજ ગ્રુપ VTTI ને હસ્તગત કરવા માટે પ્રાથમિક સ્તરે ચર્ચા કરી રહ્યું છે. વર્તમાન સમયમાં વૈશ્વિક એનર્જી સપ્લાયમાં થઈ રહેલા ફેરફારોને કારણે આવા સ્ટોરેજ અને ટ્રેડિંગ હબનું મહત્વ ઘણું વધી ગયું છે, જેના કારણે આ ડીલ અદાણી માટે ખૂબ જ વ્યૂહાત્મક સાબિત થઈ શકે છે.

રોટરડેમ હેડક્વાર્ટર ધરાવતી VTTI કંપની દુનિયાભરના 16 દેશોમાં ફેલાયેલી છે અને તેની પાસે આશરે 57 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ અને કેમિકલ્સ સ્ટોર કરવાની ક્ષમતા છે. આ કંપની માત્ર ઓઈલ સ્ટોર જ નથી કરતી, પરંતુ ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રોડક્ટ્સનું બ્લૅન્ડિંગ અને પ્રોસેસિંગ પણ કરે છે. VTTI ની આ ડીલનું કદ આશરે 3 બિલિયન યુરો એટલે કે 3.4 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હાલમાં આ ચર્ચાઓ પ્રાથમિક તબક્કામાં છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. VTTI માં હાલમાં IFM ઇન્વેસ્ટર્સ અને વિટોલનો આશરે 45-45 ટકા હિસ્સો છે, જ્યારે અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની એટલે કે ADNOC પાસે બાકીનો 10 ટકા હિસ્સો છે.

આ સંભવિત અધિગ્રહણથી અદાણી ગ્રુપ માત્ર પોર્ટ ઓપરેટર મર્યાદિત નહીં રહે, પરંતુ ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઇનમાં સીધો પગપેસારો કરી શકશે. અદાણી પોર્ટ્સ એટલે કે APSEZ પાસે ભારત સહિત દુનિયાભરમાં પોર્ટ્સનું મોટું નેટવર્ક છે, અને જો તેમાં VTTI જેવું સ્ટોરેજ નેટવર્ક જોડાઈ જાય તો કંપની ગ્રાહકોને કાર્ગો હેન્ડલિંગથી લઈને સ્ટોરેજ અને ડિલિવરી સુધીનું આખું પેકેજ ઓફર કરી શકશે. એટલું જ નહીં, VTTI આગામી સમયમાં બાયોફ્યુઅલ, હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કરી રહી છે, જે ભવિષ્યમાં અદાણીના ગ્રીન એનર્જી લક્ષ્યોને હાંસલ કરવામાં પણ મોટો સહારો બની રહેશે.

LATEST ARTICLES