ગ્રાહકો સાથે થતી બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, જેમાં હવે એક મોટો કિસ્સો હરિયાણામાંથી આવ્યો છે. અહીં એક ગ્રાહકે પોતાની ડ્રીમ કાર મેળવવા માટે ઉત્સાહથી બુકિંગ કરાવ્યું હતું, પરંતુ લાંબી રાહ જોયા છતાં પણ ગાડી હાથમાં ન આવી. આ મામલો કન્ઝ્યુમર કમિશન સુધી પહોંચ્યો હતો, જ્યાં સુનાવણી બાદ કમિશને મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપની અને તેના ઓથોરાઈઝ્ડ ડીલર બંનેને ગ્રાહક પ્રત્યે સેવાઓમાં ખામી અને ગેરવ્યાજભરી વેપાર પ્રથા અપનાવવા બદલ દોષિત ઠેરવ્યા છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત 8 ફેબ્રુઆરી 2022ના રોજ થઈ હતી, જ્યારે ગ્રાહકે એવરેસ્ટ વ્હાઈટ કલરની મહીન્દ્રા XUV700 ડિઝલ ઓટોમેટિક ગાડી બુક કરી હતી અને તેના માટે 21,000 રૂપિયા એડવાન્સ ભર્યા હતા. ડીલરે તેમને 6થી 8 મહિનામાં ડિલિવરી મળી જવાની ખાતરી આપી હતી. પરંતુ 9 મહિના વીતી ગયા પછી પણ ગાડી ન મળતા જ્યારે ગ્રાહકે તપાસ કરી તો ડિસેમ્બર 2022માં ઓનલાઈન સ્ટેટસ જોઈને તેઓ ચોંકી ગયા હતા, કારણ કે તેમની બુક કરેલી ગાડી બીજા કોઈકને વેચી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ડીલરે સંતોષકારક જવાબ ન આપ્યો અને કંપનીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો, જેથી કંટાળીને ગ્રાહકે ફેબ્રુઆરી 2025માં કમિશનમાં કેસ દાખલ કર્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન ડીલર અને કંપનીએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમિશને તેમના બચાવને ફગાવી દીધા હતા. કમિશનના પ્રમુખ રાજબીર સિંહ અને સભ્યો જસવિંદર સિંહ તથા સુમન રાણાની બેન્ચે નોંધ્યું કે ડીલર કે કંપની પાસે એવા કોઈ પુરાવા નહોતા કે તેમણે ગ્રાહકને ગાડીની ડિલિવરી અંગે જાણ કરી હોય કે ગ્રાહકે બુકિંગ કેન્સલ કર્યું હોય. આથી, કમિશને 7 ઓક્ટોબર, 2026ના રોજ આપેલા આદેશમાં ડીલર અને કંપનીને સંયુક્ત રીતે જવાબદાર ગણાવ્યા છે. આદેશ મુજબ તેમણે ગ્રાહકને 21,000 રૂપિયાનું એડવાન્સ 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરવાનું રહેશે, સાથે જ માનસિક ત્રાસ માટે 51,000 રૂપિયાનું વળતર અને 11,000 રૂપિયા લિટિગેશન ખર્ચ પેટે ચૂકવવા પડશે. આ સમગ્ર આદેશનું પાલન 45 દિવસમાં કરવાનું રહેશે, નહિતર વળતરની રકમ પર વધુ વ્યાજ ચૂકવવું પડશે.
