અમેરિકાની યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા અર્લી ડિસિઝન અને રેગ્યુલર ડિસિઝન જેવી શ્રેણીઓમાં વહેંચાયેલી હોય છે, જેમાં સ્પર્ધા ઘણી જબરદસ્ત રહે છે. અર્લી ડિસિઝન હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ સામાન્ય રીતે 1 નવેમ્બરથી 15 નવેમ્બર, 2026 વચ્ચે હોય છે, જ્યારે નિયમિત કે રેગ્યુલર ડિસિઝન માટેની લાસ્ટ ડેટ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2027 સુધીની હોય છે. આ ઉપરાંત, સ્નાતકોત્તર એટલે કે પીજી અને પીએચડી કોર્સ માટે યુનિવર્સિટી અને વિષય પ્રમાણે અલગ નિયમો હોય છે, જેમાં ડિસેમ્બર 2026 અને જાન્યુઆરી 2027 દરમિયાન પ્રાથમિકતાના ધોરણે અરજીઓ સ્વીકારાય છે. અમેરિકામાં સ્નાતક અભ્યાસક્રમો માટે કોમન એપ્લિકેશન પોર્ટલ 1 ઑગસ્ટ, 2026થી જ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે.
બ્રિટનની વાત કરીએ તો, ત્યાં સ્નાતક અભ્યાસક્રમો માટે યુસીએએસ પોર્ટલ મહત્વનું માધ્યમ છે જેના દ્વારા 1 સપ્ટેમ્બર, 2026થી અરજીઓ સબમિટ થઈ રહી છે અને મોટાભાગના કોર્સ માટે અરજી કરવાની મુખ્ય સમયમર્યાદા 13 જાન્યુઆરી, 2027 નક્કી કરાઈ છે, જોકે ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી પ્રખ્યાત યુનિવર્સિટીઓ તથા મેડિસિન ક્ષેત્રના અભ્યાસક્રમો માટે સમયમર્યાદા અલગ અને વહેલી હોય છે. બીજી તરફ, કેનેડાની ટોચની સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટી ઑફ ટોરોન્ટો, યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયા અને મેકગિલ યુનિવર્સિટીમાં પણ એડમિશન પ્રક્રિયા અલગ-અલગ સમયે ચાલે છે, જેમાં કેટલીક જગ્યાએ જાન્યુઆરી 2027 કે 1 ફેબ્રુઆરી, 2027 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવે છે. કેનેડામાં માત્ર યુનિવર્સિટીમાં ફોર્મ ભરવું પૂરતું નથી, પરંતુ ટ્યુશન ફી, અભ્યાસ પરમિટ અને જીઆઈસી જેવી નાણાકીય વ્યવસ્થાઓ પણ અગાઉથી ગોઠવવી પડે છે.
જો તમારું પણ 2027માં વિદેશ ભણવા જવાનું લક્ષ્ય હોય, તો સૌથી પહેલાં તમારી પસંદગીનો દેશ, કોલેજ અને કોર્સ ફાઈનલ કરી લેવો જોઈએ. આ સાથે જ શૈક્ષણિક સર્ટિફિકેટ્સ, અંગ્રેજી ભાષાની ટેસ્ટના સ્કોર, ભલામણપત્રો, એસઓપી અને ફાઇનાન્શિયલ ડૉક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અત્યંત જરૂરી છે. સ્કોર કે શિષ્યવૃત્તિ માટે દરેક યુનિવર્સિટીની વેબસાઈટ પર આપેલી તારીખો જ સર્વોપરી ગણવી, કારણ કે સંસ્થા અને અભ્યાસક્રમ બદલાય તેમ નિયમો પણ બદલાતા રહે છે. વહેલા તે પહેલાના ધોરણે તૈયારી કરવાથી તમને મનપસંદ કોર્સમાં એડમિશન મળવાની તકો સૌથી વધુ રહે છે.
