દક્ષિણ ભારતના દરિયાકાંઠે ત્રાટકેલા વિનાશક ચક્રવાત અને ભારે વાવાઝોડાના સંકટ વચ્ચે પણ જીવનની નવી આશા અને ખુશીઓના સમાચાર સામે આવ્યા છે. કુદરતી આફતની આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ માત્ર ઓડિશા રાજ્યમાં જ જુદી જુદી હોસ્પિટલોમાં કુલ 931 બાળકોનો જન્મ થયો છે. આ કપરા સમયગાળા દરમિયાન જન્મેલા નવજાત શિશુઓના પરિવારોએ આ પળને હંમેશા માટે યાદગાર બનાવવા માટે બાળકોના ખૂબ જ અનોખા અને ખાસ નામો રાખ્યા છે. આ કટોકટીભર્યા સમયમાં ડોક્ટરો, આરોગ્યકર્મીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની સમયસરની કામગીરી અને સેવાભાવનાની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આપેલી વિગતો મુજબ, વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ વહીવટીતંત્ર દ્વારા 2245 સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત પ્રસૂતિ માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. આ સુરક્ષિત વ્યવસ્થાના પરિણામે 931 સ્ત્રીઓએ સફળતાપૂર્વક બાળકોને જન્મ આપ્યો છે અને હાલ તમામ માતા અને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખાસ કરીને ગંજમ જિલ્લાની જો વાત કરીએ તો, ત્યાં વહીવટીતંત્રે 25 ઓક્ટોબરથી જ 493 સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલોમાં પહોંચાડી હતી, જેમાંથી માત્ર બુધવારે બપોરે 1 વાગ્યા સુધીમાં જ 220 સ્ત્રીઓએ પ્રસૂતિ કરાવી હતી.
આ કુદરતી આફત વચ્ચે જન્મેલા બાળકોના પરિવારોએ સંકટના આ સમયને યાદ રાખવા માટે અનોખી પહેલ કરી છે. ગંજમ જિલ્લાના પાત્રપુરમાં સુકાંત પ્રધાને પુત્રને જન્મ આપતા તેનું નામ અર્નબ રાખ્યું હતું, જ્યારે ચિક્રડામાં રુક્મિણી બેહરાએ પુત્રીનું નામ વર્ષા રાની રાખ્યું હતું. આ ઉપરાંત અન્ય કેટલાક પરિવારોએ પણ તેમના નવજાત પુત્રોના નામ તુફાન અને પવન તેમજ પુત્રીઓનાં નામ બતાસી રાખીને આ કુદરતી ઘટનાને અમીટ બનાવી છે.
