JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

બનાસકાંઠાના વાવ થરાદમાં પશુપાલકો માટે રાહતના સમાચાર, માત્ર 2 રૂપિયા કિલોના ભાવે મળશે ઘાસચારો

| By JAMNAGAR MIRROR
બનાસકાંઠાના વાવ થરાદમાં પશુપાલકો માટે રાહતના સમાચાર, માત્ર 2 રૂપિયા કિલોના ભાવે મળશે ઘાસચારો
રાજ્યમાં ઓછા વરસાદના કારણે ઊભી થયેલી મુશ્કેલી વચ્ચે સરકારે બનાસકાંઠાના થરાદ અને રાહ તાલુકામાં ખાસ ઘાસ ડેપો શરૂ કર્યા છે. પશુપાલકોને માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો આપવામાં આવશે, જેનાથી મોંઘવારીના સમયમાં પશુધનને બચાવવા માટે મોટો આર્થિક ટેકો મળી રહેશે.

ગુજરાતમાં આ વર્ષે અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો વરરસતા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણી અને ઘાસચારાની તીવ્ર તંગી સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સરહદી જિલ્લા બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં પણ ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન ઉપર માઠી અસર પડી છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સીમમાં ઘાસચારો સુકાઈ જવાને કારણે પશુઓને સાચવવા મુશ્કેલ બન્યા હતા અને પશુપાલકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પશુપાલકોને મોટી રાહત આપતો એક મહત્વનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય અંતર્ગત બનાસકાંઠાના થરાદ અને રાહ તાલુકામાં ખાસ ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી પશુપાલકોને માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના નજીવા અને રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બજારમાં ઘાસચારાના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે સરકારના આ સબસિડીયુક્ત પગલાંથી મુશ્કેલીમાં મુકાયેલા પશુપાલકોને રાહત મળી છે. ઘાસચારાના વિતરણ માટે સરકારે ચોક્કસ નિયમો પણ બનાવ્યા છે, જે મુજબ એક પશુ દીઠ દરરોજ 4 કિલો ઘાસચારો આપવામાં આવશે. એક પશુપાલક વધુમાં વધુ 5 પશુ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશે, એટલે કે 5 પશુ ધરાવતા પશુપાલકને પ્રતિ પશુ દરરોજ 4 કિલો લેખે દૈનિક કુલ 20 કિલો ઘાસચારો સસ્તા ભાવે પ્રાપ્ત થશે.

સરકારના આ પગલાથી પશુધનને ભૂખમરામાંથી બચાવી શકાશે અને સ્થાનિક પશુપાલકોએ આ ડેપો શરૂ થતાં સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. જોકે હજુ પણ બનાસકાંઠા વિસ્તારમાં અછત સહાય જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો અને પશુપાલકો દ્વારા જોરશોરથી માગ કરવામાં આવી રહી છે, જેથી આર્થિક મુશ્કેલીઓમાંથી સંપૂર્ણ બહાર આવી શકાય.

LATEST ARTICLES