JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

આટકોટ પાસે રાજકોટ રેન્જ આઇજીની ટીમનો ફિલ્મી ડ્રામા, દારૂ ભરેલી ક્રેટા કાર સાથે બે શખ્સો ઝડપાયા

| By JAMNAGAR MIRROR
આટકોટ પાસે રાજકોટ રેન્જ આઇજીની ટીમનો ફિલ્મી ડ્રામા, દારૂ ભરેલી ક્રેટા કાર સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ-ભાવનગર હાઇવે પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આટકોટ પાસેથી એક શંકાસ્પદ કાર ઝડપી લીધી હતી. આ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 1532 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે કુલ 18,54,480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેન્જ આઇજીની ટીમે બાતમીના આધારે આટકોટ વિસ્તારમાં ગોઠવાયેલી વોચ દરમિયાન એક દારૂ ભરેલી કારને ઝડપી પાડવા માટે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદે દારૂ અને જુગારની બદ્દીને ડામવા માટે રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની કડક સૂચના આપવામાં આવી હતી. આ જ સૂચનાને અનુસરીને રેન્જ આઈજી ટીમના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રાની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, રાજકોટ-ભાવનગર હાઇવે પરથી એક કાળા રંગની હ્યુન્ડાઇ ક્રેટા કાર નંબર જીજે-10-ઈએમ-0945માં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે આટકોટ બસ સ્ટેન્ડ નજીક બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં વોચ ગોઠવી દીધી હતી.

પોલીસે બાતમીવાળી ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરતા જ ચાલકે ગાડી પૂરપાટ ઝડપે આટકોટ ગામમાં કામધેનુ ગૌશાળા તરફ ભગાડી મૂકી હતી. જોકે, પોલીસ ટીમે પણ તાત્કાલિક ગાડીનો પીછો કરી અક્ષર ભુવન મકાન પાસેથી કારને આડેધડ ઘેરીને ઝડપી લીધી હતી. કારની તલાશી લેતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની કુલ 1532 બોટલ દારૂ નીકળ્યો હતો, જેની બજાર કિંમત 3,39,480 રૂપિયા થાય છે. પોલીસે કાર ચાલક 26 વર્ષીય રાજુ અરજણભાઈ હુણ (રહે. બોખીરા વિસ્તાર, પોરબંદર) અને તેની બાજુમાં બેઠેલા 30 વર્ષીય ખીમા ઉર્ફે કકન બધાભાઈ હુણ (રહે. રાણપરગામ, ભાણવડ, દ્વારકા) નામના શખ્સોને દબોચી લીધા હતા. દારૂ, કાર અને મોબાઈલ મળીને પોલીસે કુલ 18,54,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ વિજય ભાઈજીભાઈ જોશી (રહે. શાપર, રાજકોટ, મૂળ રહે. રાણપરગામ, ભાણવડ)ના કહેવાથી ચોટીલાના ફુલજર ગામે રામકુ વીકમા પાસેથી દારૂનો આ જથ્થો ભરીને લાવ્યા હતા. આ દારૂ તેઓએ જેતપુરમાં વિજય જોશીના કહેણા મુજબ જ ડિલિવરી આપવા લઈ જવાનો હતો. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ચોટીલાના સપ્લાયર રામકુ વીકમા, વિજય જોશી તેમજ જેતપુરના અન્ય બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે હાલ ચક્રોગતિમાન કર્યા છે અને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

LATEST ARTICLES