JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ડબલ્યુપીએલ 2027 ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે દિશા કાસત, લતિકા ઇનામદાર અને ભારતી રાવલને ખરીદ્યા

Oct 28, 2026 | 20:35 | By JAMNAGAR MIRROR
ડબલ્યુપીએલ 2027 ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે દિશા કાસત, લતિકા ઇનામદાર અને ભારતી રાવલને ખરીદ્યા
કોચીમાં યોજાયેલા વિમેન્સ પ્રીમિયર લીગ 2027ના ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે પોતાના સ્કોડને મજબૂત કરવા માટે 3 ખેલાડીઓને તેમની 10 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદ્યા છે. જ્યારે યુપી વોરિયર્ઝે સોફી મોલિન્યુ અને ગ્રેસ હેરિસ પર મોટી બોલી લગાવી છે.

વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે ડબલ્યુપીએલ 2027ના ઓક્શનમાં બુધવારે કોચી ખાતે ખેલાડીઓ પર બોલી લગાડવામાં આવી હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે સમજદારીપૂર્વક ખરીદી કરીને પોતાના સ્કોડને વધુ ધારદાર બનાવ્યું છે. મુંબઈની ટીમે અનકેપ્ડ બેટર દિશા કાસત, વિકેટકીપર બેટર લતિકા ઇનામદાર અને સ્પિનર ભારતી રાવલને તેમની 10 લાખની બેઝ પ્રાઈસ પર પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ઓક્શનમાં અન્ય ટીમોએ પણ પોતાની રણનીતિ મુજબ કેટલાક મોટા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે અને કેટલાક સ્ટાર ખેલાડીઓ અનસોલ્ડ પણ રહ્યા છે.

મુંબઈએ ખરીદેલી દિશા કાસતે અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમી ચૂકી છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. લખનૌમાં રમાયેલી સિનિયર વિમેન્સ ટી-20 ટ્રોફીમાં પંજાબ સામેની મેચમાં દિશાએ ઓપનિંગ કરતા 52 બોલમાં અણનમ 66 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ જ મેચમાં લતિકા ઇનામદારે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં 8 બોલમાં ઝડપી 17 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ, યુપી વોરિયર્ઝની ટીમે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સોફી મોલિન્યુને 1.10 કરોડ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્રેસ હેરિસને 30 લાખમાં ખરીદીને પોતાની ટીમમાં પરત બોલાવ્યા છે. આ ઉપરાંત યુપીએ ભારતની અનુભવી ઓલરાઉન્ડર સ્નેહ રાણાને તેની 30 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદી છે, જ્યારે ગુજરાત જાયન્ટ્સે આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઓર્લા પ્ર્રેન્ડરગાસ્ટને 30 લાખમાં મેળવી છે.

આ તમામ ખરીદી બાદ હવે મુંબઈ ઇન્ડિયન્સના પર્સમાં 60 લાખ બાકી છે અને ટીમ પાસે હજુ 3 સ્લોટ ભરવાના બાકી છે. ઓક્શનના આ રાઉન્ડમાં શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ પર કોઈ જ ફ્રેન્ચાઇઝીએ રસ ન દાખવતા તે અનસોલ્ડ રહી હતી. દિશા કાસત તેની શાનદાર ફિલ્ડિંગ અને બેટિંગ ક્ષમતાથી મુંબઈની ટીમને વધુ મજબૂતી પૂરી પાડશે તેવી આશા છે, જ્યારે અન્ય ટીમોએ પણ આગામી સિઝન માટે પોતાની રણનીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.

LATEST ARTICLES