ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રે નંબર વન બનાવવા માટે રાજ્ય સરકાર સતત મોટા પગલાં ભરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝનને આગળ વધારતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં જાપાન અને દક્ષિણ કોરિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કર્યો છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરવાનો હતો, જેને લઈને વિદેશી ઉદ્યોગપતિઓ તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને આગામી સમયમાં રાજ્યમાં રોજગારીની તકો મોટા પ્રમાણમાં વધશે.
જાપાન પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 50 થી વધુ બેઠકો યોજાઈ હતી, જેમાં 34 જેટલી દિગ્ગજ જાપાનીઝ કંપનીઓ સાથે વન-ટુ-વન ચર્ચાઓ થઈ હતી. ટોક્યો ખાતે યોજાયેલી બેઠકોમાં હોન્ડા દ્વારા ગુજરાતમાં તેમના પ્લાનનો વિસ્તાર કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વર્ષ 2027 ના અંત સુધીમાં યુવાનો માટે 4000 નવી રોજગારીઓ ઊભી થશે. આ ઉપરાંત ઇતોચુ કોર્પોરેશન, નિપ્પોન સ્ટીલ, સુઝુકી મોટર અને ટોક્યો ઇલેક્ટ્રોન જેવી મોટી કંપનીઓ સાથે પણ મહત્ત્વની ચર્ચાઓ થઈ હતી, તેમજ શિઝુઓકા અને ઇવાતે પ્રિફેક્ચર સાથે ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ માટે પણ ખાસ સંમતિધસાઈ હતી.
જાપાન બાદ દક્ષિણ કોરિયા પહોંચેલા પ્રતિનિધિમંડળે ત્યાં પણ 16 વૈશ્વિક કંપનીઓ સાથે બેઠકોનો દોર જારી રાખ્યો હતો. LS ઇલેક્ટ્રિક, કોલોન ઇન્ડસ્ટ્રીઝ, લોટ્ટે વેલફૂડ, યંગવન કોર્પોરેશન અને સિઓલ વાયોસિસ જેવી કોરિયન કંપનીઓ સાથેની ભાગીદારીથી ગુજરાતમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મોટો વેગ મળશે. દક્ષિણ કોરિયાના ટેક્સટાઇલ હબ દાગુની મુલાકાત લઈને ટેકનોલોજીના આદાનપ્રદાન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ખૂબ જ મજબૂત પાયો સાબિત થશે.
