JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મહેસાણામાં કેનેડા મોકલવાના નામે ઠગાઈ, વર્ક પરમિટ અને પીઆર વિઝા અપાવવાને બહાને રૂ. 50 લાખ પડાવ્યા

Oct 28, 2026 | 16:45 | By JAMNAGAR MIRROR
મહેસાણામાં કેનેડા મોકલવાના નામે ઠગાઈ, વર્ક પરમિટ અને પીઆર વિઝા અપાવવાને બહાને રૂ. 50 લાખ પડાવ્યા
મહેસાણાના વ્યક્તિ સાથે કેનેડાના વિઝાના નામે મોટી છેતરપિંડી થઈ છે. અમદાવાદના દંપતીએ વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને ટુકડે-ટુકડે રૂ. 50,00,000 પડાવી લીધા બાદ ઓફિસ બંધ કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો ઠગાઈનો ભિકાર બનતા હોય છે, ત્યારે મહેસાણામાંથી પણ એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં કેનેડા જવાનું સપનું જોનાર એક વ્યક્તિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. મહેસાણાના રાધનપુર રોડ પર રહેતા અને મૂળ શંખલપુરના વતની હરિભાઈ કાન્તીભાઈ ભીખાભાઈ પટેલને કેનેડા જવા માટે વર્ક પરમિટ અને પીઆર વિઝા અપાવવાની લાલચ આપીને કેટલાક ઠગોએ મોટો ચૂનો લગાવ્યો છે. વિદેશ જવાની ઘેલછામાં ફરિયાદીએ પોતાની મહેનતની કમાણી ગુમાવવી પડી છે અને અંતે પોલીસના દરવાજા ખટકાવવાનો વારો આવ્યો છે.

આ સમગ્ર કૌભાંડ આચરનાર મુખ્ય આરોપીઓમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઓમકાર બંગ્લોઝ ખાતે રહેતા કુશલકુમાર નવીનચંદ્ર પટેલ અને તેમની પત્ની અવનીબેન કુશલકુમાર પટેલ સામે સામે આવ્યા છે. આ દંપતીએ ફરિયાદીને કેનેડા મોકલવાની ખાતરી આપી હતી અને જો વિદેશ જવાની પ્રક્રિયા સફળ ન થાય તો રકમ પરત આપી દેવાનો પૂરો વિશ્વાસ અપાવ્યો હતો. આ ભરોસામાં આવીને ફરિયાદીએ આરોપીઓને ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 50,00,000 જેટલી માતબર રકમ ચૂકવી દીધી હતી. જોકે, પૈસા લીધા પછી પણ આરોપીઓએ કેનેડાના વિઝા મેળવવા માટે કાગળ પર પણ કોઈ પ્રક્રિયા કરી નહોતી.

જ્યારે લાંબા સમય સુધી વિઝા ન મળતા ફરિયાદીએ આ બાબતે પૂછપરછ શરૂ કરી, ત્યારે ભાંડો ફૂટ્યો હતો અને આરોપીઓએ પોતાની ઓફિસ બંધ કરી દીધી હતી તેમજ નાસી છૂટ્યા હતા. પોતાની સાથે મોટું આર્થિક નુકસાન અને વિશ્વાસઘાત થયાનું જણાતા હરિભાઈ પટેલે આ મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપી પતિ-પત્ની વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર થયેલા દંપતીને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

LATEST ARTICLES